<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

બિહારમાં 16 વર્ષથી દારૂ ઉપર પ્રતિબંધ, 8 વર્ષમાં ઝેરી દારૂ પીવાના લીધે 156 ના મોત નિપજ્યા : 12 લાખથી વધુની થઈ ધરપકડ


પટના : બિહારમાં એપ્રિલ 2016માં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારથી રાજ્યમાં ગેરકાયદેસર દારૂ પીવાને કારણે 150 થી વધુ લોકોના મોત થયા છે. બિહારના નશાબંધી અને આબકારી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ  માહિતી આપી.
જો કે, છેલ્લા આઠ વર્ષમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી 'શંકાસ્પદ નકલી દારૂના કારણે મૃત્યુ'ની સંખ્યા 266 છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. એપ્રિલ 2016માં નીતીશ કુમાર સરકારે બિહારમાં દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો.

 
નશાબંધી અને આબકારી વિભાગના સચિવ વિનોદ સિંહ ગુંજિયાલે પટનામાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, '2016 થી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઝેરી દારૂ પીવાથી કુલ 156 મૃત્યુની પુષ્ટિ થઈ છે. રાજ્યમાં છેલ્લાં આઠ વર્ષમાં નકલી દારૂ પીવાને કારણે થયેલા શંકાસ્પદ મૃત્યુની સંખ્યા 266 છે, જેમાંથી 156ની પુષ્ટિ થઈ છે.

ઓગસ્ટ 2024 સુધીમાં કુલ 12.7 લાખ લોકોની ધરપકડ કરવામાં આવી છે
તેમણે કહ્યું કે ઝેરી દારૂના કારણે જે જિલ્લાઓમાં સૌથી વધુ મોત થયા છે તેમાં સારણ, ગયા, ભોજપુર, બક્સર અને ગોપાલગંજનો સમાવેશ થાય છે. અધિકારીએ કહ્યું, 'વિભાગ દ્વારા ઓગસ્ટ 2024 સુધી પ્રતિબંધ કાયદાના ઉલ્લંઘન સાથે સંબંધિત કુલ 8.43 લાખ કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં રાજ્ય બહારના 234 સહિત કુલ 12.7 લાખ લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે.'

તેમણે કહ્યું, 'સંબંધિત અધિકારીઓએ અત્યાર સુધીમાં 3.46 કરોડ બલ્ક લિટર દારૂ જપ્ત કર્યો છે, જેમાં દેશી દારૂનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ 2024 સુધીમાં, વિભાગે જપ્ત કરાયેલા દારૂના 98 ટકા એટલે કે લગભગ 3.38 કરોડ બલ્ક લિટરનો નાશ કર્યો છે.'
અધિકારીઓ ડ્રોન વડે મોનિટરિંગ કરી રહ્યા છે
વિભાગે રાજ્યના વિવિધ શહેરોમાંથી દારૂના પરિવહન માટે ઉપયોગમાં લેવાતા 1.24 લાખ વાહનો પણ જપ્ત કર્યા છે. વિનોદ સિંહ ગુંજિયાલે જણાવ્યું હતું કે, 'અધિકારીઓ દ્વારા જપ્ત કરાયેલા 71,727 વાહનોની હરાજીમાંથી વિભાગે 327.13 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. વિભાગ અને પોલીસ અધિકારીઓ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પ્રતિબંધ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને પકડવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરી રહ્યા છે.

(6:43 PM IST)