News of Wednesday, 25th September 2024
ટ્રમ્પની હત્યા કરવા ઇરાનનો ખતરનાક પ્લાન
અમેરિકી ગુપ્તચર એજન્સીઓનો ધડાકો : ટ્રમ્પને કર્યા એલર્ટ : ટ્રમ્પની હત્યા કરાવી અરાજકતા ફેલાવવા માંગે છે ઇરાન : અત્યાર સુધીમાં બે વખત ટ્રમ્પ ઉપર હુમલો થઇ ચૂક્યો છે : ટ્રમ્પની સુરક્ષા વધારાઇ

વોશિંગ્ટન તા. ૨૫ : ઈરાન ચૂંટણી પહેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવા માંગે છે. ઈરાને ટ્રમ્પની હત્યાની મદદથી અમેરિકામાં અરાજકતા ફેલાવવાની યોજના બનાવી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ સંબંધિત માહિતી શેર કરી છે.
ઇન્ટેલિજન્સ એજન્સીઓએ ટ્રમ્પને જણાવ્યું કે ખરેખર તેમનો જીવ જોખમમાં છે. ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અમેરિકામાં ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસનો છે.
ટ્રમ્પના કેમ્પેઈન કોમ્યુનિકેશન ડાયરેક્ટર સ્ટીવન ચેયુંગે કહ્યું, ‘ડોનાલ્ડ ટ્રમ્પને નેશનલ ઈન્ટેલિજન્સ ડાયરેક્ટરની ઓફિસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તમારો જીવ જોખમમાં છે. ઈરાન આ કાવતરું ઘડી રહ્યું છે. તેનો હેતુ આ હત્યા દ્વારા અમેરિકામાં અરાજકતા અને અસ્થિરતા પેદા કરવાનો છે.' ‘અમેરિકાની તમામ એજન્સીઓ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે જેથી કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી દખલ વિના હાથ ધરવામાં આવે.'
સ્ટીવન ચ્યુંગે કહ્યું કે ઈરાનમાં આતંકવાદી શાસન છે અને આ શાસન કમલા હેરિસની નબળાઈને પસંદ કરે છે. તહેરાન ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાથી ડરે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લોકો માટે લડશે. અમે અમેરિકાને ફરીથી મહાન બનાવવાના માર્ગમાં કંઈપણ આડે નહીં આવવા દઈએ.
ડોનાલ્ડ ટ્રમ્પ પર બે વખત જીવલેણ હુમલા થયા છે. પહેલો હુમલો ૧૩ જુલાઈના રોજ બટલર, પેન્સિલવેનિયામાં થયો હતો. અહીં એક રેલી દરમિયાન ૨૦ વર્ષીય થોમસ મેથ્યુ ક્રૂક્સે ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી. જોકે, બાદમાં સિક્રેટ સર્વિસ દ્વારા આરોપી ક્રૂક્સની હત્યા કરવામાં આવી હતી.
ટ્રમ્પ પર હુમલો કરવાનો બીજો પ્રયાસ ૧૫ સપ્ટેમ્બરે થયો હતો. ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ વેસ્ટ પામ બીચ, ફલોરિડામાં સ્થિત છે. આ ક્લબની બહાર ફાયરિંગ થયું હતું. ટ્રમ્પ ગોળીબારના સ્થળથી સો મીટર દૂર હાજર હતા. આ કેસમાં ૫૮ વર્ષીય રેયાન વેસ્લી રાઉથની બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી હતી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
