<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

હિંમતનગર નજીક ભયાનક અકસ્‍માત : સાતનાં મોત : જુઓ વિડિયો

આજે વ્‍હેલી સવારે અમદાવાદ - ઉદેપુર નેશનલ હાઇવે પર હિંમતનગર પાસે કાર ટ્રેલર પાછળ ઘુસી જતાં ઘટનાસ્‍થળે જ સાતેયના મોત : મૃતક તમામ અમદાવાદના : શામળાજીથી અમદાવાદ આવી રહ્યા હતા : ડ્રાઇવરને ઝોકુ આવતા થઇ દુર્ઘટના : કારનો કચ્‍ચરઘાણ : કારને કટરથી કાપી લાશો બહાર કઢાઇ

હિંમતનગર તા. ૨૫ : સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન પાસે ગોઝારો અકસ્‍માત સર્જાયો છે. આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ૭ લોકોનાં મોત નીપજયાં છે. ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં ૭ લોકોનાં ઘટના સ્‍થળે જ મોત નીપજયાં છે, જયારે એકની હાલત ગંભીર છે.

મળતી માહિતી અનુસાર, શામળાજીથી અમદાવાદ જતાં અકસ્‍માત નડ્‍યો હતો. તમામ મૃતકો અમદાવાદના હોવાનું સામે આવ્‍યું છે. જયારે ફાયર વિભાગની મદદ લેવાઇ રહી છે અને પોલીસનો કાફલો ઘટના સ્‍થળે પહોંચ્‍યો છે.

આ ગમખ્‍વાર અકસ્‍માતમાં ૭ લોકોનાં ઘટના સ્‍થળે જ મોત નીપજયાં હતા. જયારે ગંભીર રીતે ઘાયલ એક વ્‍યક્‍તિ હિમતનગર સિવિલ હોસ્‍પિટલમાં સારવાર હેઠળ છે.

કાર અને ટ્રેલર વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં કારનો કચ્‍ચરઘાણ વળી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. આખી કાર કટર વડે કાપીને લાશો બહાર કાઢવામાં આવી હતી.લગભગ દોઢ-બે કલાકના રેસ્‍કયૂ બાદ લાશો બહાર કાઢવામાં આવી હતી. જયારે પોલીસ દ્વારા મૃતકોની ઓળખ અંગે તપાસ કરવામાં આવી રહી છે.

માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ઘાયલોને હોસ્‍પિટલમાં દાખલ કર્યા, જયાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. કાર ચાલકને ઊંઘ આવતી હોવાને કારણે આ અકસ્‍માત થયો હોવાની આશંકા છે. હાલ પોલીસ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર કારમાં કુલ ૮ લોકો હતા અને તેઓ શામળાજીથી અમદાવાદ જઈ રહ્યા હતા. ઘાયલ અને મૃતકોની ઓળખ કર્યા બાદ પોલીસે તેમના પરિવારજનોને જાણ કરી છે. આ સાથે મૃતકોના મૃતદેહને કબજે કરીને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યા છે. આ અકસ્‍માત સવારે સાડા ચાર વાગ્‍યાની આસપાસ થયો હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્‍યા અનુસાર આ અકસ્‍માતમાં કારને ભારે નુકસાન થયું છે. અનુમાન છે કે અકસ્‍માત સમયે ઝડપ ૧૨૦ કિમી પ્રતિ કલાકથી વધુ હશે.

કારણ કે કારનો આગળનો ભાગ પાછળથી ટ્રકમાં ઘૂસી ગયો હતો. આથી પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ભારે જહેમતથી કાર કાપી લાશને બહાર કાઢી હતી. સાબરકાંઠાના એસપી વિજય પટેલના જણાવ્‍યા અનુસાર ઘટનાની માહિતી મળતા જ પોલીસ ટીમ ઘટનાસ્‍થળે રવાના થઈ હતી. પોલીસે તાત્‍કાલિક ઈજાગ્રસ્‍તને કારમાંથી બહાર કાઢીને હોસ્‍પિટલ લઈ ગઈ હતી. વાહનમાંથી મૃતદેહોને બહાર કાઢ્‍યા બાદ તેમને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યા છે. તેમણે કહ્યું કે ઘાયલ અને મૃતકોની ઓળખ થઈ ગઈ છે. મૃતદેહો આવ્‍યા બાદ તેનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવશે.

 

(11:00 AM IST)