News of Wednesday, 25th September 2024
બોગસ પેઢીઓને શોધવા જીએસટી વિભાગની ઝુંબેશઃ રિયલ ટાઇમ ડેટા અપલોડ કરવા પડશે
અધિકારીઓની પેઢીની તપાસ કરી ફોટો સાથેની માહિતી એપ્લિકેશનમાં સબમિટ કરવાની સુચના જીએસટી વિભાગ દ્વારા શહેર અને જિલ્લામાં શંકાસ્પદ પેઢીઓ પર જઇ ખરાઇ શરૂ કરાઇ

મુંબઇ,તા. ૨૫: જીએસટી વિભાગ દ્વારા સુરત સહિત દેશભરમાં બોગસ પેઢીઓને શોધી કાઢવા માટેની પહેલ શરૂ કરવામાં આવી છે. ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જીએસટી વિભાગના ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા શંકાસ્પદ પેઢીઓની માહિતી સંબંધિત કમિશનરેટ અથવા અધિકારીઓને મોકલવામાં આવી રહી છે. જેના આધારે સ્પોટ વિઝિટ કરી અધિકારીઓ રિપોર્ટ મોકલી રહ્યા છે. જોકે અત્યાર સુધી અધિકારીઓ તપાસ બાદ મેન્યુઅલી રિપોર્ટ સબમિટ કરતા હતા, પરંતુ ચાલુ વર્ષે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવમાં તપાસ અધિકારીને આપવામાં આવેલી મોબાઈલ એપ્લિકેશનમાં જ તમામ માહિતીઓ ફોટો સાથે અપલોડ કરવાની સૂચના આપવામાં આવી છે.
જીએસટી વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ જીએસટીનો કાયદો અમલમાં આવ્યા બાદથી બોગસ બિલિંગનું દૂષણ અત્યાર સુધી યથાવત્ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા વખતોવખત જીએસટીના કાયદામાં સંશોધન કરવામાં આવે છે, પરંતુ તેમ છતાંય ભેજાબાજો તેમાંથી છટકબારી શોધી કાઢે છે. જીએસટી ડિપાર્ટમેન્ટ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે બોગસ પેઢીઓને શોધી કાઢવા માટે ડ્રાઈવ ચલાવવામાં આવે છે. ગત વર્ષે પણ ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમા સેંકડો બોગસ પેઢીઓનું રજિસ્ટ્રેશન રદ કરી કરોડોની આઇટીસી વસૂલવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ બોગસ પેઢીઓને શોધી કાઢવા માટે ઓગસ્ટ મહિનાથી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં જીએસટી વિભાગના ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મળેલા આઉટપુટના આધારે પેઢીઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે. જીએસટી વિભાગનો ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ આઠ અલગ-અલગ પેરામીટર્સના આધારે શંકાસ્પદ પેઢીઓને શોધે છે અને પેઢી જયાં રજિસ્ટર્ડ હોય ત્યાં અધિકારીઓ સુધી માહિતી મોકલી દેવામાં આવે છે. સુરતમાં પણ સીજીએસટી અને એસજીએસટીને મળેલી માહિતીના આધારે તપાસ શરૂ કરી છે.
ચાલુ વર્ષે શરૂ કરવામાં આવેલી ડ્રાઇવમાં બોગસ પેઢીઓને ત્યાં તપાસ કરનાર અધિકારીએ તપાસ બાદ જે ફીડબેક મળે તેની તમામ માહિતી ત્યાંથી જ એપ્લિકેશનમાં લોડ કરવાની સૂચના આપવામાં આવી છે. જેમાં અધિકારી પેઢી બોગસ છે અથવા બોગસ નથી તેવા નિષ્કર્ષ પર કઈ રીતે પહોંચ્યા તેવી તમામ માહિતી ફોટો સાથે અપલોડ કરી ઉચ્ચ અધિકારીને મોકલવાની પણ સૂચના છે. તપાસ કરનાર અધિકારી જે ડેટા અપલોડ કરશે તેની ખરાઈ કર્યા બાદ ઉચ્ચ અધિકારી તેને મંજૂરી આપશે. હાલ અધિકારીઓ આ રીતે જ કામ કરી રહ્યા છે. અત્યાર સુધી એસજીએટી અને સીજીએસટી દ્વારા મોટી સંખ્યામાં પેઢીઓ પર સ્પોટ વિઝિટ કરી કેટલીક બોગસ પેઢીઓની માહિતી પણ મોકલી આપવામાં આવી છે. આગામી ઓક્ટોબર મહિના સુધી બોગસ પેઢીઓ સામેની ડ્રાઇવ ચાલશે. ઉલ્લેખનીય છે કે તમામ માહિતી રિયલ ટાઇમ અપલોડ કરવાથી ડિપાર્ટમેન્ટ અને વેપારીઓ બન્ને વચ્ચે અનેક વાર થતા આરોપ અને પ્રત્યારોપમાં ઘટાડો થશે. અત્યાર સુધી કેટલીક વાર વેપારીઓ દ્વારા તપાસ અધિકારીઓ પર અનેક પ્રકારના આરોપો મૂકવામાં આવતા હતા, પરંતુ હવે તમામ માહિતીઓ તરત જ સબૂતો સાથે અપલોડ કરી દેવાતા આવી તમામ ફરિયાદો દૂર થઇ જશે.
જે પેઢીઓનું ટર્નઓવર અચાનક વધી કે ઘટી જાય તેના પર નજર
જીએસટી વિભાગ દ્વારા હાલ જે પેઢીઓ પર તપાસ કરવામાં આવી રહી છે તે તમામ પેઢીઓની માહિતી જીએસટી વિભાગના ઇનપુટ ઇન્ટેલિજન્સ તરફથી આપવામાં આવી છે. દેશભરમાં જે રીતે જીએસટી ચોરીની ઘટનાઓ વધી રહી છે તેને ધ્યાને રાખી ડિપાર્ટમેન્ટ દ્વારા વિશેષ રીતે એક સોફટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક માપદંડોના આધારે બોગસ પેઢીઓ નક્કી કરવામાં આવે છે. સોફટવેરમાં જે પેઢીઓનું ટર્નઓવર અચાનક વધ્યુ કે ઘટી ગયુ હોય અથવા આઇટીસીની રકમ વધી હોય તેને ટ્રેસ કરવામાં આવે છે અને અન્ય પેરામીટર્સ પણ તપાસવામાં આવે છે. ત્યારબાદ શંકાસ્પદ પેઢી તરીકેની યાદીમાં તેનું નામ સંબંધિત જીએસટી કમિશનરેટ અથવા ઝોનમાં મોકલી આપવામાં આવે છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
