<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગુજરાતીઓએ F&Oમાં રૂા. ૮૮૦૦ કરોડથી વધુ ગુમાવ્‍યા

સેબીના રિપોર્ટ મુજબ, ફયુચર્સ એન્‍ડ ઓપ્‍શન્‍સમાં ૧૦ લાખ કરતા પણ વધુ ટ્રેડર્સે નુકસાની વેઠવી પડી દર વર્ષે કરોડોની નુકસાની થતી હોવા છતાં રાજ્‍યમાં બે વર્ષમાં ટ્રેડર્સની સંખ્‍યામાં બમણો વધારો જોવા મળ્‍યો

નવી દિલ્‍હી,તા. ૨૫: સિક્‍યુરિટીઝ એન્‍ડ એક્‍સચેન્‍જ બોર્ડ ઓફ ઈન્‍ડિયા (સેબી)એ ઈક્‍વિટી ડેરિવેટિવ્‍સ સેગમેન્‍ટમાં થતાં નફા અને નુકસાની ઉપર એક રિપોર્ટ તૈયાર કર્યો છે. એક તરફ શેરબજારો નવી ઊંચાઈઓને આંબી રહ્યા છે ત્‍યારે આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં શેરબજારમાં ફયુચર્સ એન્‍ડ ઓપ્‍શન્‍સ (F&O) કરતાં હોય તેવા ૧૦.૧૦ લાખ ટ્રેડર્સ છે અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન F&Oમાં કામ કરતાં લોકોએ અંદાજે રૂ. ૮.૮૮૮ કરોડ જેટલી મોટી રકમ ગુમાવી છે. સેબીના રિપોર્ટ મુજબ આ સમયમાં દેશમાં ૮૯.૨૬ લાખ ટ્રેડર્સ છે જેમાંથી ૭૩ લાખ ટ્રેડર્સે F&Oમાં અંદાજે રૂ. ૭૫,૦૦૦ કરોડની નુકસાની કરી છે.

સેબીના રિપોર્ટ મુજબ ૨૦૨૩- ૨૪માં વેપાર કરનારા તમામ F&O વેપારીઓમાંથી ૫૦%થી વધુ ચાર રાજયો મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્‍થાનમાંથી હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૮.૮ લાખ (૨૧.૭%) વેપારીઓ હતા. ત્‍યારબાદ ગુજરાતમાં ૧૦.૧૦ લાખ (૧૧.૯%), ઉત્તર પ્રદેશ ૯.૩ લાખ (૧૦.૭%) અને રાજસ્‍થાનમાં ૫.૪ લાખ (૬.૨%) ફયુચર્સ એન્‍ડ ઓપ્‍શન્‍સના વેપારીઓ હતા.

ગુજરાતમાં F&Oના  વેપારીઓએ શરેરાશ રૂ. ૮૮,૦૦૦ની નુકસાની કરી છે જયારે મહારાષ્ટ્રમાં ટ્રેડર્સ વ્‍યક્‍તિદીઠ રૂ. ૭૪,૦૦૦, ઉત્તર પ્રદેશમાં રૂ. ૭૩,૦૦૦ અને રાજસ્‍થાનમાં ટ્રેડર્સે રૂ. ૮૩,૦૦૦નું વ્‍યક્‍તિગત નુકસાન કર્યું છે. આ હિસાબે એક વર્ષમાં મહારાષ્ટ્રમાં રૂ. ૧૩,૯૧૨ કરોડ અને ઉત્તર પ્રદેશમાં F&Oના વેપારીઓએ રૂ. ૬,૭૮૯ કરોડની ખોટ કરી છે.

રિપોર્ટમાં જણાવ્‍યા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૪ દરમિયાન સમગ્ર દેશમાં ૧.૮૧ કરોડ ટ્રેડર્સે રૂ. ૧.૮૧ લાખ કરોડ જેવી મોટી રકમ ગુમાવી છે. (૨૨.૫)

લોકો સ્‍ટ્રેટેજી બનાવતા નથી એટલે નુકસાની કરે છે

માર્કેટ એનાલિસ્‍ટ ગુંજન ચોક્‍સી જણાવ્‍યું કે. ફયુચર્સ એન્‍ડ ઓપ્‍શન્‍સમાં લોકો વધુ પૈસા ગુમાવે છે તેનું સૌરથી મોટું કારણ એ છે કે લોકો ઓછા પૈસે વધુ કમાણી કરવાની લાલચમાં તેનો લોટરી તરીકે ઉપયોગ કરે છે. લોકોને ‘ક્‍વિક મની' જોઈએ છે અને તેથી જ કોઈ સ્‍ટ્રેટેજી બનાવતા નથી અને નુકસાની કરી બેસે છે. ખાસ કરીને યુવા વર્ગ આમાં વધુ ગુમાવે છે. નુકસાની જતી હોવા છતાં F&O ટ્રેડર્સની સંખ્‍યા વધી રહી છે કેમ કે, સેબી ૨૦૨૦માં ઇન્‍ટ્રા-ડે ઉપર માર્જિન આપવાનું બંધ કર્યુ હતું તેના કારણે ઘણા લોકો F&O તરફ વળ્‍યા હતા અને હજુ પણ તેનું આકર્ષણ ઘટયું નથી.

સૌથી વધુ F&O ટ્રેડર્સ હોય તેવા ટોપ-૫ રાજ્‍યો

રાજ્‍ય          ૨૦૨૧-૨૨ ૨૦૨૨-૨૩ ૨૦૨૩-૨૪

મહારાષ્‍ટ્ર      ૧૧.૬૮     ૧૪.૫૬    ૧૮.૭૮

ગુજરાત       ૪.૮૮       ૬.૮૩      ૧૦.૧૦

ઉત્તરપ્રદેશ     ૩.૨૫       ૫.૨૫      ૯.૨૫

રાજસ્‍થાન     ૨.૧૭       ૩.૨૧      ૫.૩૭

મધ્‍યપ્રદેશ  ૧.૮૧  ૨.૬૩  ૪.૨૮

સોર્સ સેબી. સંખ્‍યા લાખમાં

(11:07 AM IST)