<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ભારતના કોઈપણ ભાગને પાકિસ્‍તાન ન કહી શકીએ

કર્ણાટક હાઈકોર્ટના જજની ટિપ્‍પણી પર સુપ્રીમ કોર્ટે કાન આમળ્‍યો

નવી દિલ્‍હી તા. 25 : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્‍ટિસ ડીવાય ચંદ્રચુડે આજે કહ્યું કે ‘અમે ભારતના કોઈપણ ભાગને પાકિસ્‍તાન તરીકે બતાવી શકીએ નહીં. સુપ્રિમ કોર્ટની પાંચ જજોની બેન્‍ચે કર્ણાટક હાઈકોર્ટના એક જજની કથિત વાંધાજનક ટીપ્‍પણી અંગે સુઓમોટો લીધો હતો. આજે આ કેસની કાર્યવાહી ચેતવણીરૂપ ટીપ્‍પણી સાથે બંધ કરવામાં આવી હતી.'  CJIની આગેવાની હેઠળની પાંચ સભ્‍યોની બેન્‍ચે કહ્યું કે ‘કર્ણાટક હાઈકોર્ટના ન્‍યાયાધીશ જસ્‍ટિસ વી. શ્રીશાનંદે 21 સપ્‍ટેમ્‍બરે ત્‍યાંની ખુલ્લી અદાલતમાં તેમની ટિપ્‍પણીઓ બદલ માફી માંગી છે.'

ભારતના મુખ્‍ય ન્‍યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની અને ન્‍યાયમૂર્તિ એસ ખન્ના, બીઆર ગવઈ, સૂર્યકાન્‍ત અને એચ રોયની બનેલી પાંચ ન્‍યાયાધીશોની બેન્‍ચે કહ્યું કે ‘ખુલ્લી અદાલતની કાર્યવાહીમાં હાઇકોર્ટના ન્‍યાયાધીશ દ્વારા માંગવામાં આવેલી માફીને ધ્‍યાનમાં રાખીને, અમે ન્‍યાય અને સંસ્‍થાના ગૌરવના હિતમાં આ કાર્યવાહી આગળ વધારવા માંગતા નથી.'

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્‍યો હતો કે કોર્ટની કાર્યવાહી દરમિયાન અદાલતોએ એવી ટિપ્‍પણીઓ ન કરવાની કાળજી લેવી જોઈએ કે જેને આપણા સમાજના કોઈપણ વર્ગ પ્રત્‍યે અયોગ્‍ય ગણાવી શકાય.  CJIએ કહ્યું, ‘આપણે ભારતના કોઈપણ ભાગને પાકિસ્‍તાન ન કહી શકીએ. આ મૂળભૂત રીતે દેશની ક્ષેત્રિય અખંડિતતાની વિરૂદ્ધ છે.'

સુપ્રીમ કોર્ટે એક મહિલા વકીલ વિરુદ્ધની ટિપ્‍પણી અને અન્‍ય કેસમાં બેંગલુરૂમાં મુસ્‍લિમ બહુમતીવાળા વિસ્‍તારને ‘પાકિસ્‍તાન'  કહેવા અંગે હાઈકોર્ટના ન્‍યાયાધીશની વાંધાજનક ટીપ્‍પણી અંગે 20 સપ્‍ટેમ્‍બરના રોજ, સુઓમોટો લીધો હતો. સોશિયલ મીડિયા પર સામે આવેલી વીડિયો ક્‍લિપમાં જસ્‍ટિસ શ્રી શેષાનંદ કેસની સુનાવણી દરમિયાન દખલ કરવા બદલ મહિલા વકીલને ઠપકો આપતા જોવા મળે છે. આ ઉપરાંત તેમણે કેટલીક વાંધાજનક ટિપ્‍પણીઓ પણ કરી હતી. મકાનમાલિક-ભાડૂત વિવાદ સંબંધિત અન્‍ય કેસમાં, તેમણે બેંગલુરૂમાં મુસ્‍લિમ પ્રભુત્‍વ ધરાવતા વિસ્‍તારને ‘પાકિસ્‍તાન'  ગણાવ્‍યો હતો.(21.33)

(4:11 PM IST)