News of Thursday, 26th September 2024
મુંબઈના આંગણે પૂ. મહંતસ્વામી મહારાજનો 91 મો જન્મ જયંતી મહોત્સવ ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો : ૩૦,૦૦૦થી અધિક ભક્તોએ પૂ. મહંતસ્વામી મહારજને 91માં જન્મોત્સવે ભાવાંજલિ અર્પણ કરી : જુઓ વિડીયો
અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂ. મહંતસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા : દેશ-વિદેશના 400 કરતા પણ વધારે સંતોની ઉપસ્થિતિ, પાંચેય ખંડના હજારો હરિભક્તો નું આગમન : સંતો - ભક્તોએ 91માં જન્મોત્સવે પૂ.મહંતસ્વામી મહારાજના વધામણા કર્યા

મુંબઈ : પૂ. મહંતસ્વામી મહારાજના 91માં જન્મોત્સવ પ્રસંગે NESCO, ગોરેગામ, મુંબઈ ખાતે સાંજથી જ ભક્તમેદની થી છલકાવા લાગ્યું હતું. સાંજના પાંચ વાગ્યા પહેલા જ મુખ્ય મહોત્સવ સ્થળ હયૈ હૈયું દળાય એવી રીતે વિરાટ ભક્ત મેદનીથી હકડેઠઠ ભરાઈ ચૂક્યું હતું.
આજે પૂજ્ય મહંતસ્વામી મહારાજને વધાવવા અને તેમના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરવા BAPS સ્વામિનારાયણ સંસ્થાના દેશ - વિદેશમાંથી 400 કરતા પણ વધારે સંતો પધાર્યા હતા. પાંચેય ખંડની ધરતી પરથી પૂ. મહંતસ્વામીનાં દર્શન માટે હજારો હરિભક્તો તત્પર હતા.
આજે 26 સપ્ટેમ્બર 2024ના રોજ મુંબઈ ખાતે BAPS સંસ્થાના અધ્યક્ષ અને વિશ્વવંદનીય સંત વિભૂતિ પૂજ્ય મહંતસ્વામી મહારાજનો 91મો જન્મજયંતી મહોત્સવ ખૂબ જ ભક્તિભાવ અને ધામધૂમથી ઉજવાયો. આ આધ્યાત્મિક કાર્યક્રમની શરૂઆત ધૂન અને કીર્તનથી થઈ હતી, જેમાં હજારો ભક્તો એ ભાગ લીધો.
કાર્યક્રમમાં શ્રી જ્ઞાનનયનદાસ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણ ના અદ્ભુત કાર્યોની ચર્ચા કરી અને કહ્યું કે સાચા સંતમાં ભગવાનનો સાક્ષાત નિવાસ હોય છે. તેઓએ કહ્યું કે મહંત સ્વામી મહારાજનો જન્મદિવસ એ ભગવાનની હાજરી અનુભવી શકવાની પાવન તક છે. શ્રી નારાયણમુનિ સ્વામીએ મહંતસ્વામી મહારાજની અનન્ય ભક્તિ પર પ્રકાશ પાડયો, જ્યારે શ્રી ભગવતસેતુ સ્વામીએ મહંતસ્વામીની સતત ભક્તિ અને સાધનાનો ઉલ્લેખ કર્યો. શ્રી વિવેકસાગર સ્વામીજએ મહંતસ્વામી મહારાજ દ્વારા ભક્તો પર વરસાવેલા દિવ્ય સ્નેહનું વર્ણન કર્યું, અને શ્રી આદર્શજીવન સ્વામીએ મહંતસ્વામીના માતૃત્વ અને વાત્સલ્ય વર્તન પર ચર્ચા કરી.
આ પ્રસંગે પુ. બ્રહ્મવિહારી સ્વામી અને પુ. આત્મત્રુપ્ત સ્વામીએ અનુક્રમે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના વિશાળ સેવાકાર્ય અને સેવા ભાવના નો ઉલ્લેખ કર્યો. સાથે સાથે, સદગુરુવર્ય પૂ. ઇશ્વરચરણસ્વામી અને પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજની વિનમ્રતા પર પોતાના વક્તવ્યો રજુ કર્યા. મહોત્સવમાં પૂ. ભક્તિપ્રિય (કોઠારી) સ્વામીએ કહ્યું કે પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજે પોતાનું સમગ્ર જીવન લોકકલ્યાણ માટે સમર્પિત કર્યું છે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂ. મહંતસ્વામી મહારાજ સાથેના પોતાના સ્વાનુભવો વર્ણવ્યા હતા.પૂ. મહંતસ્વામી મહારાજ એક વૈશ્વિક મહાપુરુષ છે તેમ કહી તેઓએ વધુમાં જણાવ્યું કે "તેમની સંસ્થા BAPS સમાજ કલ્યાણ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં અનન્ય કાર્ય કરી રહી છે. આ પ્રસંગે, અહીં હાજર રહીને હું પોતાને અત્યંત ભાગ્યશાળી માનું છું. જે રીતે અમારી સંસ્કૃતિને સકારાત્મક અને રચનાત્મક રીતે વિશ્વભરમાં ફેલાવી તેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનું મહત્વપૂર્ણ યોગદાન છે. અમારું અબુ ધાબીનું મંદિર આ વિચારોનું સ્પષ્ટ પ્રમાણ છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે BAPS સ્વામિનારાયણ સંસ્થા વિશ્વના મંચ પર શાંતિ અને આનંદ ફેલાવામાં મહત્વની ભૂમિકા ભજવશે."
મંચ પર હાજર માન્યવરોમાં મહારાષ્ટ્ર સરકારના પર્યટન, કૌશલ્ય, રોજગાર, ઉદ્યમિતા અને નવાચાર મંત્રી મંગલ પ્રભાત લોઢા અને નેસ્કો લિમિટેડના CMD કૃષ્ણા પટેલનો સમાવેશ થાય છે.
મહોત્સવના અંતે પૂ. મહંતસ્વામી મહારાજે પોતાના આશીર્વચન થી બધા ઉપસ્થિત ભક્તોને કૃતાર્થ કર્યા. તેઓએ કહ્યું, "ભગવાન સ્વામિનારાયણના યથાર્થ મહિમાને સમજવું અને તેમની ભક્તિ કરવી તેમજ તેમના આદેશોનું પાલન કરવું, એ જ આપણું પરમ કર્તવ્ય છે." પૂ.મહંતસ્વામી મહારાજના આશીર્વાદ થી સૌએ ધન્યતા અનુભવી.
આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડીલસંતોએ પુષ્પમાળા દ્વારા પૂ. મહંતસ્વામી મહારાજના ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી હતી અને હજારો દીવડાની સમૂહ આરતીએ વાતાવરણને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું. સમગ્ર કાર્યક્રમને અંતે મંત્રપુષ્પાંજલિ દ્વારા સૌ ભક્તોએ પૂ. મહંતસ્વામી મહારાજના ચરણોમાં ભક્તિઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
(9:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
