News of Friday, 27th September 2024
ફ્લોરિડા નજીક હેલન વાવાઝોડું ત્રાટકયું : ચોથી શ્રેણીના ખતરનાક સ્તરે પહોચ્યું : ૩ના મોત
ફ્લાઇટો રદ્દ : કેટલાક વિસ્તારોમાં પાણી દરિયાની દીવાલો ઓળંગી રહ્યા છે : શાળા કોલેજો બંધઃ અંધારપટ છવાયો

તા.૨૭: લેન્ડફોલ પહેલા જ હેલેન વાવાઝોડાએ ફ્લોરિડામાં ગભરાટનો માહોલ સર્જ્યો છે. આ વાવાઝોડું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાના મોજા દિવાલોને ઓળંગી રહ્યા છે. આસપાસના લોકોને સલામત સ્થળે ખસી જવાની ચેતવણી આપવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પાણી દરિયાની દીવાલો ઓળંગી રહ્યા છે. ફલોરીડામાં હેલન વાવાઝોડુ ચોથી શ્રેણીના ખતરનાક સ્તરે પહોંચતા અમેરિકાના અનેક શહેરોમાં તબાહી મચાવી છે. જેમાં જયોર્જિયામાં ૨ના મોત અને ફલોરીડામાં ૧નું મોત થયુ છે.
નેશનલ હરિકેન સેન્ટરના એલર્ટને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ બિડેને ફ્લોરિડા અને ટેમ્પા ખાડીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. લોકોને જીવન અને સંપત્તિની સલામતી માટે જરૂરી સાવચેતી રાખવા અને પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.
દરિયાકાંઠાના શહેરોમાં ૮ ફૂટ ઉંચા મોજા જોવા મળી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં મોજા ૨૦ ફૂટ ઊંચા હોઈ શકે છે. આ કારણે ટેમ્પા ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) બંધ કરી દેવામાં આવ્યું છે. પીટર ઓ. નાઈટ, ટેમ્પા એક્ઝિકયુટિવ અને પ્લાન્ટ સિટી એરપોર્ટ પણ બંધ છે. શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ બંધ છે. પિનેલાસ કાઉન્ટીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
સેન્ટ પીટર્સબર્ગના મેયર કેનેથ વેલ્ચે ૬ ઈમરજન્સી શેલ્ટર બનાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, તોફાન ત્રાટકે તે પહેલા ફ્લોરિડામાં ૩૪૦,૦૦૦ થી વધુ ઘરો અને ઓફિસો અંધકારમાં ડૂબી ગયા છે. ફ્લોરિડા-જ્યોર્જિયા બોર્ડર પાસે ભારે વરસાદ પડી રહ્યો છે. ફ્લોરિડાના ગવર્નરે લોકોને તેમના ઘર ખાલી કરવા કહ્યું છે. ઉત્તર કેરોલિનાના અધિકારીઓએ હેલેનથી ગંભીર પૂરની ચેતવણી આપી છે. આથી ઈમરજન્સી અધિકારીઓએ પૂરગ્રસ્ત સ્થળોએ રહેતા તમામ લોકોને સલામત સ્થળે ખસી જવા જણાવ્યું છે. સ્વાનાનોઆ અને ફ્રેન્ચ બ્રોડ નદીઓ પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર વધવાની ધારણા છે. ઇમરજન્સી અધિકારીઓને ભૂસ્ખલનનો પણ ભય છે, કારણ કે ઝડપથી વહેતું પાણી માટી અને ખડકોને પર્વતની નીચે લઈ જઈ શકે છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
