News of Friday, 27th September 2024
IIFA ૨૦૨૪ :૧૫૦ ડાન્સર્સ સાથે સ્ટેજ પર ઉતરશે રેખા : ૨૨ મિનિટનું આપશે પરફોર્મન્સ
એવોર્ડ શો આજથી શરૂ થયો છે અને ૨૯ સુધી ચાલશે : શાહરૂખ ખાન પણ અબુધાબીમાં

મુંબઇ, તા.૨૭: બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ એવોર્ડ શો IIFA ૨૦૨૪ આજથી શરૂ થયો છે. ૩ દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ સ્ટાર્સ પણ અબુ ધાબી પહોંચ્યા છે. ગત રોજ અહીં શાહરૂખ ખાનની એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રેખા પણ આઈફા ૨૦૨૪માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિગ્ગજ અભિનેત્રી રેખા ૨૨ મિનિટનું ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે. આટલું જ નહીં રેખાની પાછળ ૧૫૦થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર જોવા મળશે. એવોર્ડ શો ૨૭ સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થયો છે અને ૨૯ સુધી ચાલશે. આ ત્રણ દિવસીય એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.
રેખા, જે તેના સમયના સુપરસ્ટાર હિરોઈન હતા, તેમણે બોલિવૂડને ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. રેખાની ઘણી ફિલ્મોમાં અભિનય આજે પણ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. રેખાના ઘણા પાત્રો આજે પણ લોકો ભૂલી શકયા નથી. વર્ષ ૨૦૧૮માં, રેખાએ આઈફા એવોર્ડ્સમાં તેનું સુપરહિટ ગીત ‘પ્યાર કિયા તો ડરના કયા' રજૂ કર્યું હતું. આ ડાન્સ પરફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉંમરે પણ રેખાનો જુસ્સો ઓછો થયો નથી. હવે રેખા અબુ ધાબીમાં તેના ૨૨ મિનિટના ડાન્સ પરફોર્મન્સથી ફરી એકવાર લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.
બૉલિવૂડની મોટા ભાગની હસ્તીઓ અબુ ધાબી પહોંચી છે.શાહરૂખ ખાન પણ અબુ ધાબીમાં પહોંચ્યા છે. એરપોર્ટ પરથી શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન પોતાની સિકયોરિટી સાથે એન્ટર થયા હતા. શાહરૂખ ખાનને જોઈને ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. હવે અબુ ધાબીમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો શરૂ થઈ ગયો છે. બોલિવૂડ સ્ટાર્સ આ એવોર્ડ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. હવે અહીં ૩ દિવસ સુધી ખૂબ જ મજા આવશે
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
