<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

ક્રુડ ઓઈલના બેરલ દીઠ ભાવમાં સતત ઘટાડોઃ ભારતીય રૂપિયાના મૂલ્યને પણ મજબૂતી બનશે

વપરાશની દ્રષ્‍ટિએ ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા ક્રમઃ દેશને આશરે 60 હજાર કરોડની થશે બચત

નવી દિલ્‍હીઃ  ભારત તેની ક્રૂડ ઓઈલ ની જરૂરિયાતો પૈકી મોટો હિસ્સો એટલે કે આશરે 80 ટકાની આયાતથી પૂરી કરે છે. ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા ક્રમનો સૌથી મોટો વપરાશકાર દેશ છે.

દરમિયાન તાજેતરમાં ક્રુડ ઓઈલના બેરલ દીઠ ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેને લીધે ભારતને આશરે રૂપિયા 60 હજાર કરોડની બચત થાય તેવો અંદાજ છે. આ ઉપરાંત ભારતીય રૂપિયાના મૂલ્યને પણ મજબૂતી મળી રહી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે જ સરકાર વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં ઓઈલની આયાતને લઈ રૂપિયા 60 હજાર કરોડની બચત કરી શકે છે. એક અંદાજ મુજબ ક્રૂડ ઓઈલમાં પ્રતિ બેરલ એક ડોલરનો ઘટાડો ભારતના વાર્ષિક આયાત બિલમાં 13 હજાર કરોડ રૂપિયાની બચત કરે છે.

આર્થિક સર્વે 2024માં ચાલુ નાણાકીય વર્ષમાં ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત બેરલ દીઠ 84 ડોલર રહેવાનો અંદાજ હતો. જો કે, ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો યથાવત છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તે 70 થી 75 ડોલર પ્રતિ બેરલના સ્તરે છે. નિષ્ણાતોના મતે જો આ શ્રેણીમાં ભાવ સ્થિર રહેશે તો ભારત ચાલુ નાણાકીય વર્ષના બાકીના સમયગાળામાં ક્રૂડ ઓઈલની આયાત પર ભારે બચત કરી શકશે.

કેડિયા એડવાઈઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે 2025માં ક્રૂડ ઓઈલના ભાવમાં નરમાઈ આવવાની ધારણા છે અને તે બેરલ દીઠ $80ની નીચે રહેવાની ધારણા છે. જો આ કિંમત માર્ચ 2025 સુધી યથાવત રહેશે તો તેનાથી ભારતીય અર્થતંત્રને ઘણો ફાયદો થશે.

(11:05 PM IST)