<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th September 2024

પીકલાઇટ માલવેર એવી સિસ્ટમ પર હુમલો કરી શકે છે જેમાંથી ફિલ્મો મફતમાં ડાઉનલોડ થાય છે, આ કોમ્પ્યુટર સિસ્ટમ અને લેપટોપ માટે મોટો ખતરો બની શકે : ગુગલની ચેતવણી

ઈન્ટરનેટથી જે પણ ડાઉનલોડ કરો છો તે વિશ્વાસપાત્ર વેબસાઈટ અથવા સોર્સમાંથી ડાઉનલોડ કરો નહીં તો તમારો ડેટાની ચોરી થઈ જશે તેવી સલાહ

મુંબઈ તા.૨૯

જો તમને ઈન્ટરનેટ પર ફ્રીમાં મૂવી ડાઉનલોડ કરવાની આદત હોય તો સાવધાન થઈ જાવ. ગૂગલે વોર્નિંગ આપી છે કે પીકલાઇટ માલવેર એવી સિસ્ટમ પર હુમલો કરી શકે છે જેમાંથી ફિલ્મો મફતમાં ડાઉનલોડ થાય છે. આ તમારી કોમ્પ્યુટર સિસ્ટમ અને લેપટોપ માટે મોટો ખતરો બની શકે છે.

ઘણા લોકો ફ્રી મૂવી ડાઉનલોડ કરવા માટે ઈન્ટરનેટની મદદ લે છે. પરંતુ આવું કરવાનું ભારે પડી શકે છે. હાલમાં જ ગુગલની સાયબર સિક્યોરિટી ફર્મ Mandiantએ પીકલાઇટ નામના માલવેર અટેકની વોર્નિંગ આપી છે. આ માલવેર મોટાભાગના તે લોકોને નિશાન બનાવે છે જે પાઈરેટેડ મૂવી ડાઉનલોડ કરે છે. આ વાયરસ તમારા કમ્પ્યુટરમાં વધુ ખતરનાક સોફ્ટવેર ડાઉનલોડ કરે છે. મેન્ડિયન્ટે કહ્યું કે આ વાયરસ પાવરશેલ નામના સોફ્ટવેરની મદદથી કામ કરે છે.

આ વાયરસ એક છુપાયેલા સોર્સ સાથે જોડાયેલો છે જે એક CDN નામની સેવાનો ઉપયોગ કરે છે. આ CDN તમારા કમ્પ્યુટરની મેમરીમાં સીધું કામ કરે છે અને તમારા કમ્પ્યુટર પર કોઈ નિશાન છોડતો નથી. આ વાયરસ એક પાવરશેલ સ્ક્રિપ્ટને એક્ટિવ કરે છે જેને પીકલાઈટ કહેવામાં આવે છે. આ પીકલાઈટ પછી એક રિમોટ સર્વરથી વધુ ખતરનાક વાયરસ ડાઉનલોડ કરે છે. આ વાયરસનું નામ લુમ્મા સ્ટીયર, હાઈજેક લોડર અને ક્રિપ્ટબોટ છે. આ વાયરસ તમારો ડેટા ચોરી કરી શકે છે.

પીકલાઈટને શોધવો મુશ્કેલ છે

તે પ્રોગ્રામ સર્વિસ તરીકે ભાડા પર મળે છે જેનાથી સાયબર હુમલાખોરો તમારા કોમ્પ્યુટર લેપટોપમાંથી સેન્સિટિવ ડેટા ચોરી કરી શકે છે. તે સિવાય તે કમ્પ્યુટર લેપટોપ પર કંટ્રોલ પણ કરી શકે છે. Mandiant અનુસાર , પીકલાઇટ કમ્પ્યુટર મેમરીમાં કામ કરે છે. તેથી જ તેને પકડવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે હાર્ડ ડ્રાઇવ પર તેની હાજરીનો કોઈ પુરાવો છોડતો નથી.

 

કોમ્પ્યુટર-લેપટોપમાં આ રીતે ઘુસી જાય છે

સાયબર ગુનેગારોએ પીકલાઇટ માલવેર ફેલાવવા માટે 'ફ્રી મૂવી ડાઉનલોડ' નો ઉપયોગ કર્યો છે. અટેક કરવા માટે, ફેમસ મૂવીઝની ડાઉનલોડ લિંક્સ બનાવવામાં આવે છે, જે ઝીપ ફોલ્ડર્સ છે. આમાં ખતરનાક Windows શૉર્ટકટ ફાઇલ (LNKs) હોય છે. જ્યારે લોકો આ ફાઇલ ખોલે છે, ત્યારે પીકલાઇટ માલવેર આવે છે અને તમારા કોમ્પ્યુટર અને લેપટોપમાંથી ડેટા ચોરી કરી લે છે. 

તેનાથી બચવા માટે આ કામ કરો

કમ્પ્યુટરની રેમમાં આવવાના કારણે પીકલાઈટ માલવેર તમારો મુખ્ય ડેટા ચોરી કરી શકે છે. જે લોકો ઈન્ટરનેટ પર ફ્રીમાં મૂવી જોવા માટે ફિલ્મ ડાઉનલોડ કરે છે તેમને તેની કિંમત ચૂકવવી પડે છે. તેથી ઈન્ટરનેટથી જે પણ ડાઉનલોડ કરો છો તે વિશ્વાસપાત્ર વેબસાઈટ અથવા સોર્સમાંથી ડાઉનલોડ કરો નહીં તો તમારો ડેટા ચોરી થઈ શકે છે.

(12:01 PM IST)