News of Sunday, 29th September 2024
દિલ્હીમાં ચાર પુત્રીને મોતને ઘાટ ઉતારીને પિતાનો આપઘાત
રંગપુરી ગામમાં પિતાએ તેની ૪ બાળકીઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી બાદમાં પોતે પણ આપઘાત કરી લીધોઃ ચારેય દીકરીઓ દિવ્યાંગ હતી

નવી દિલ્હી, તા.૨૯,
દિલ્હીમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક પિતાએ જ પહેલા પોતાની ૪ દીકરીઓને ઝેર આપીને મોતને ઘાટ ઉતારી અને બાદમાં પોતે પણ આપઘાત કરી લીધો હતો. બનાવ દક્ષિણી દિલ્હીના રંગપુરી ગામનો છે. પોલીસ સ્થળ પર પહોંચી અને તેમણે ફ્લેટનું તાળું તોડીને ૫ મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાને લઈને દિલ્હીમાં હાહાકાર મચી ઉઠ્યો છે. ચારેય દીકરીઓ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે. જેમાં ચાલવા ફરવામાં અસમર્થ હતી અને પત્નીના મોત બાદ પિતા હીરાલાલ પોતાની દીકરીઓની હાલત જોઈને પૂરી રીતે તૂટી ગયો હતો. તેણે પોતાની દીકરીઓને સ્લોફાસ ખવડાવ્યું અને પછી પોતે પણ આપઘાત કરી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર ૫૦ વર્ષીય પિતા હીરાલાલ તેમના પરિવાર સાથે રંગપુરી ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. મૂળ તે બિહારના છપરા જિલ્લામાં આવેલ મસરખ ગામનો રહેવાસી હતો. થોડાક સમય પહેલા હીરાલાલની પત્નીનું મોત નિપજ્યું હતું. પરિવારમાં ચાર દીકરીઓ હતી જેમાં મોટી દીકરી નીતુ (ઉંમર ૧૮ વર્ષ), ૧૫ વર્ષીય નિશી, ૧૦ વર્ષીય નીરુ અને ૮ વર્ષીય નિધી હતી. હીરાલાલ વસંત કુંજમાં સ્થિત એક હોસ્પિટલમાં સુથારી કામ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર તેના ફ્લેટમાંથી અત્યંત દુર્ગંધ આવી રહી હતી. જેથી આસપાસ રહેતા લોકોએ આ મામલે પોલીસને જાણકારી આપી.
પોલીસ જ્યારે ફ્લેટ પર પહોંચી તો લોકોએ જણાવ્યું કે પરિવાર ઘણા દિવસથી દેખાઈ નથી રહ્યો. જ્યારે પોલીસે દરવાજો તોડ્યો તો અત્યંત દુર્ગંધ આવવા લાગી. અંદર ૪ દીકરીઓ અને પિતા હીરાલાલનો મૃતદેહ પડ્યો હતો. સમગ્ર મામલે પોલીસે પિતા હીરાલાલના મોટાભાઈને જાણ કરી. પરિવારે સલ્ફાસ ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે પોલીસને ત્યાં સ્થળ પરથી કોઈ સુસાઇડ નોટ નથી મળી. પરંતુ દીકરીઓ દિવ્યાંગ હતી જેથી આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર પહોંચી અને તેમણે સ્લોફાસના રેપર તેમજ ખોરાકના નમૂના લીધા હતા. મૃતક હીરાલાલની પત્ની કેન્સરથી પીડિત હતી. જેનો ઘણો ઈલાજ કરાવ્યો તેમ છતાં તે ન બચી. સ્વસ્થ સંતાનની ઈચ્છામાં તેણે ૩ અન્ય બાળકીઓને જન્મ આપ્યો પણ તે પણ દિવ્યાંગ જન્મી હતી. હીરાલાલ તેની બાળકીઓનું ઘણું ધ્યાન રાખતો હતો. નોકરીએથી આવતાની સાથે તે બાળકોની સારસંભાળ રાખતો હતો તેવું આસપાસના લોકોનું કહેવું છે.
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કુલ ૬ લોકોના નિવેદન લઈને પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. પોલીસે આ મામલે જણાવ્યું છે કે આ કેસની તપાસ દરેક એંગલથી કરવામાં આવશે. સાથે જ બનાવને લઈને અન્ય લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
