News of Monday, 30th September 2024
દિલ્હી-એનસીઆર, બેંગ્લુરૂમાં મકાનોની કિંમતમાં વાર્ષિક ધોરણે ૨૯ ટકાનો વધારોઃ મકાનોના ભાવમાં ધરખમ વધારો
આંકડાઓ અનુસાર, ઉત્પાદન ખર્ચમાં સતત વૃદ્ધિ અને લકઝરી ઘરોના પુરવઠોમાં વધારો થતાં મકાનોની કિંમત વધી

નવી દિલ્હી, તા.૨૯: ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં દિલ્હી-એનસીઆર અને બેંગ્લુરૂમાં મકાનોની કિંમત વાર્ષિક ધોરણે ૨૯ ટકા વધી છે. રિયલ એસ્ટેટ એડવાઝર એનારોકના આંકડાઓ અનુસાર, ઉત્પાદન ખર્ચમાં સતત વૃદ્ધિ અને લકઝરી ઘરોના પુરવઠોમાં વધારો થતાં મકાનોની કિંમત વધી છે.
એનારોકના રિપોર્ટ મુજબ, દિલ્હી-એનસીઆરમાં મકાનોની સરેરાશ કિંમત જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ૨૯ ટકા વધી રૂ. ૭૨૦૦ પ્રતિ વર્ગફૂટ થઈ છે. જે એક વર્ષ પહેલાં સમાન ગાળામાં રૂ. ૫૫૭૦ પ્રતિ વર્ગફૂટ થઈ હતી. બેંગ્લુરૂમાં ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં ઘરની કિંમત ૨૯ ટકા વધી રૂ. ૮૧૦૦ પ્રતિ વર્ગફૂટ થઈ છે. જે ગતવર્ષે રૂ. ૬૨૭૫ પ્રતિ વર્ગફૂટ હતી.
હૈદરાબાદમાં મકાનોની કિંમતોમાં સૌથી વધુ ૩૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. જે ગતવર્ષે રૂ. ૫૪૦૦ સામે વધી આ ત્રિમાસિકમાં રૂ. ૭૧૫૦ પ્રતિ વર્ગફૂટ થઈ છે. મુંબઈમાં સરેરાશ કિંમત રૂ. ૧૩૧૫૦ પ્રતિ વર્ગફૂટ સામે ૨૪ ટકા વધી રૂ. ૧૬૩૦૦ પ્રતિ વર્ગફૂટ થઈ છે. પુણેમાં ભાવ રૂ. ૬૫૫૦ સામે ૧૬ ટકા વધી રૂ. ૭૬૦૦ પ્રતિ વર્ગફૂટ થયો છે. ચેન્નઈમાં ભાવ ૧૬ ટકા વૃદ્ધિ સાથે રૂ. ૬૬૮૦ પ્રતિ વર્ગફૂટ થયો છે. કોલકાતામાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભાવ ૧૪ ટકા વધી રૂ. ૫૭૦૦ પ્રતિ વર્ગફૂટ થયા છે. જે ગતવર્ષે રૂ. ૫૦૦૦ પ્રતિ વર્ગફૂટ હતા.
બેંગ્લુરૂ સ્થિત રિયાલ્ટી ફર્મ વૈષ્ણવી ગ્રુપના ડિરેક્ટર દર્શન ગોવિંદ રાજૂએ જણાવ્યું હતું કે, મકાનોની કિંમત છેલ્લા થોડા ત્રિમાસિકથી સતત વધી રહી છે. જેની પાછળનું કારણ કુલ ઉત્પાદન ખર્ચમાં વધારો છે. જમીનોના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. બીજી તરફ લકઝરી ઘરોની માગ વધતાં ભાવમાં ઉછાળો નોંધાયો છે. ટોચના સાત શહેરોમાં સરેરાશ રહેણાંક મિલકતના ભાવમાં વાર્ષિક ધોરણે સામૂહિક રીતે ૨૩ ટકાનો વધારો થયો છે. તે ૨૦૨૩ના ત્રીજા ત્રિમાસિકમાં પ્રતિ ચોરસ ફૂટ રૂ ૬,૮૦૦થી વધી ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિકમાં રૂ ૮,૩૯૦ પ્રતિ ચોરસ ફૂટ થયા છે. જુલાઈ-સપ્ટેમ્બરમાં મકાનોના વેચાણ ૧૧ ટકા ઘટીને ૧,૦૭,૦૬૦ યુનિટ થયા હતાં. ગત વર્ષ ૧,૨૦,૨૯૦ યુનિટ મકાન વેચાયા હતા. ટોચના સાત શહેરોમાં નવા મકાનોના પુરવઠામાં ૧૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઇ-સપ્ટેમ્બરમાં નવા મકાનોની ઓફર ૯૩,૭૫૦ યુનિટ રહી હતી, જે ૨૦૨૩માં સમાન સમયગાળામાં ૧,૧૬,૨૨૦ યુનિટ હતી.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
