News of Monday, 30th September 2024
જૂના બાકી જીએસટી પર હવે વધારાનો ચાર્જ અને પેનલ્ટી આપવા નહીં પડે
જીએસટી ડિમાન્ડ નોટિસ મેળવનારા કરદાતાઓ હવે વ્યાજ અને દંડ વિના તેમની બાકી ચૂકવણી કરી શકશે

નવી દિલ્હી, તા.૨૯: કેન્દ્ર સરકારે વેપારીઓને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે જારી કરવામાં આવેલા જીએસટી ડિમાન્ડ નોટિસ મેળવનારા કરદાતાઓ હવે વ્યાજ અને દંડ વિના તેમની બાકી ચૂકવણી કરી શકશે. જો કે, શરત એ છે કે ટેક્સ-ડિમાન્ડ નોટિસ નોન-ફ્રોડલ કેટેગરીની હોવી જોઈએ. આ માટે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ લાભ ૧ નવેમ્બરથી જીએસટી કરદાતાઓ માટે લાગુ થશે. આ જીએસટી મુક્તિ યોજના સરકાર દ્વારા સામાન્ય બજેટ-૨૦૨૪માં જાહેર કરવામાં આવી હતી. સરકાર દ્વારા ટેક્સ વિવાદોમાં ઘટાડો કરવાના હેતુ સાથે આ પ્રકારના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે. જીએસટી કાયદાની નવી કલમ ૧૨૮છ હેઠળ સરકાર દ્વારા આ રાહત આપવામાં આવી છે, જે જીએસટી સત્તાવાળાઓને કરદાતાઓ પર અનુપાલનનું દબાણ ઘટાડવા માટે છૂટછાટ રજૂ કરવાની મંજૂરી આપે છે. જીએસટી કાઉન્સિલની ૫૩મી બેઠકના નિર્ણય મુજબ, તેનો ઉદ્દેશ્ય એવા વિવાદોને ઉકેલવાનો છે કે જ્યાં કાયદાની ગેરસમજ અથવા અર્થઘટનને કારણે ઉદ્દભવેલી કર જવાબદારીઓને કારણે ટેક્સ ડિમાન્ડ નોટિસ આપવામાં આવી છે. આ મુક્તિનો લાભ મેળવવા માટે, GST ડિમાન્ડ નોટિસમાં બાકી રકમ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધીમાં ચૂકવવાની રહેશે. એકવાર તમે સંપૂર્ણ બાકી ચૂકવણી કરી લો. તેની સાથે સંકળાયેલ વ્યાજ અને પેનલ્ટીની રકમ માફ કરવામાં આવશે અને તમારી પતાવટ પૂર્ણ થશે. આ છૂટ ફક્ત નોન-ફ્રોડલ કેટેગરીમાં સામેલ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૧૯-૨૦ સુધીની જીએસટી ડિમાન્ડ નોટિસ માટે છે, જો કોઈને આ સમયગાળા દરમિયાન છેતરપિંડીના કારણે જીએસટી ડિમાન્ડ નોટિસ મળી હોય, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
