તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Wednesday, 2nd October 2024
થાણે : ભોજન ખાધા બાદ 45 બાળકો બીમાર પડ્યા : સ્કૂલ મેનેજમેન્ટ સામે નોંધાઈ FIR
37 બાળકોની સ્થિતિ સારી છે અને તેઓને 24 કલાકના એડમિશન પ્રોટોકોલ બાદ સાંજે રજા આપવામાં આવશે

થાણે : મહારાષ્ટ્રના થાણે શહેરની નજીકની એક ખાનગી શાળામાં મધ્યાહન ભોજન લીધા બાદ શંકાસ્પદ ખોરાકના ઝેરને કારણે 45 બાળકો બીમાર પડ્યા બાદ પોલીસે શાળાના મેનેજમેન્ટ સામે FIR નોંધી છે. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. શરૂઆતમાં 8 થી 11 વર્ષની વયના 38 બાળકોને મંગળવારે બપોરના ભોજન પછી ચક્કર, ઉબકા, માથાનો દુખાવો અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ કાલવા શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે વધુ સાત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેને લઈને અત્યાર સુધીમાં હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા 45 થઈ ગઈ છે. એક બાળકના માતા-પિતાની ફરિયાદના આધારે, કાલવા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 (વ્યક્તિગત સલામતી અથવા જીવનને જોખમમાં મૂકતું બેદરકારી કૃત્ય) અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન નિયમો હેઠળ સ્કૂલ મેનેજમેન્ટ અને ફૂડ સપ્લાયર સામે ગુનો નોંધ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને તપાસ ચાલુ છે.
હોસ્પિટલના મેડિકલ ઈન્ચાર્જ ડૉ. અનિરુદ્ધ માલગાંવકરે 'જણાવ્યું કે બાળકોના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC)ના અધિકારીએ જણાવ્યું હતું કે 37 બાળકોની સ્થિતિ સારી છે અને તેઓને 24 કલાકના એડમિશન પ્રોટોકોલ બાદ સાંજે રજા આપવામાં આવશે. તેમણે કહ્યું કે બાકીના આઠ બાળકોમાં તાવ અને ઉલ્ટીના લક્ષણો છે. તેમને વધુ 12 કલાક માટે નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.
TMC એડિશનલ કમિશનર સંદીપ માલવીએ મંગળવારે પુષ્ટિ કરી કે બાળકોએ ખાનગી શાળામાં મધ્યાહન ભોજન ખાધું હતું. અન્ય એક મેડિકલ ઓફિસરે જણાવ્યું કે બાળકોને તેમના ભોજનમાં ભાત અને મોથ કરી પીરસવામાં આવી હતી.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
