<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th October 2024

શેરબજારની સુનામીમાં તણાઈ ગઈ અદાણી- અંબાણીની સંપત્તિ

અબજોપતિની રેન્‍કિંગ સાથે નેટવર્થ ઘટી

મુંબઇ, તા.૪: ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલા યુદ્ધની અસર ગુરુવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્‍સેક્‍સ-નિફ્‌ટીમાં મોટો કડાકો થયો હતો. સેન્‍સેક્‍સ ૧૭૭૦ પોઈન્‍ટ અને નિફ્‌ટી ૫૪૬ પોઈન્‍ટ ઘટીને બંધ થયો હતો. આ દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્‍સ અને અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો હતો. શેરબજારમાં કડાકાને પગલે ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી-ગૌતમ અદાણીના રેન્‍કિંગ પર પણ અસર પડી છે. બંને ભારતીય અબજોપતિઓની નેટવર્થમાં કેટલો ઘટાડો થયો છે.

  શેરબજારમાં સતત ઊંચાઈ બાદ ગુરુવારે મોટો કડાકો જોવા મળ્‍યો હતો. જેમાં આ અઠવાડિયે આ સતત બીજી વખત RILનો શેરમાં ઘટાડો જોવા મળ્‍યો છે. અગાઉ ૩૦ સપ્‍ટેમ્‍બરે ૩ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડાને પગલે મુકેશ અંબાણીની નેટવર્થની સાથે સાથે તેમના રેન્‍કિંગ પર પણ અસર પડી છે. ૩૬ હજાર કરોડ રૂપિયાથી વધુના ઘટાડા બાદ મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે ૧૦૭ અબજ ડોલર પર આવી ગઈ છે. આ સાથે તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં બે સ્‍થાન નીચે આવી ગયા છે. વિશ્વના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી ૧૪મા સૌથી અમીર વ્‍યક્‍તિ છે.

શેરબજારની સુનામીમાં રિલાયન્‍સની સાથે અદાણી ગ્રુપની લિસ્‍ટેડ કંપનીઓના શેર પણ વહેતા જોવા મળ્‍યા હતા. અદાણી ગ્રીન એનર્જી શેર ૪.૦૯ ટકા ઘટીને રૂ. ૧૮૦૭.૮૦ પર બંધ થયો, જ્‍યારે અદાણી પોર્ટનો શેર લગભગ ૩ ટકા ઘટીને રૂ. ૧૪૨૬.૦૫ પર બંધ થયો. શેરોમાં ઘટાડાને કારણે ગૌતમ અદાણીની નેટવર્થ ૨.૯૩ બિલિયન ડોલર અથવા લગભગ રૂ. ૨૪,૬૦૦ કરોડ ઘટીને ૧૦૦ બિલિયન ડોલર થઈ અને તેઓ ૧૪માં સ્‍થાનેથી ૧૭માં સ્‍થાને આવી ગયા.

(10:06 AM IST)