News of Friday, 4th October 2024
મિત્રોની સામે યુવતી પર ગેંગ રેપ ; મોડી રાત્રે નિર્જન રસ્તા પર હેવાનિયત
પૂણેમાં ત્રણ લોકોએ ૨૧ વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો

મુંબઈ, તા.૪ઃ મહિલાઓની સુરક્ષાને લઈને રાજય સરકારો દ્વારા અનેક દાવા કરવામાં આવે છે. આમ છતાં દરરોજ મહિલાઓની છેડતીના સમાચારો પ્રકાશમાં આવતા રહે છે. હવે મહારાષ્ટ્રના પુણેમાંથી માનવતાને શર્મસાર કરતા સમાચાર આવ્યા છે. પુણેમાં ત્રણ લોકોએ ૨૧ વર્ષની યુવતી પર ગેંગરેપ કર્યો હતો. આ દરમિયાન યુવતીના મિત્રએ વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. હાલ પોલીસે યુવતીની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.
મળતી માહિતી મુજબ યુવતી તેના એક મિત્રને મળવા ગઈ હતી. દરમિયાન મોડી રાત્રે એક નિર્જન સ્થળે ત્રણ છોકરાઓએ તેને પકડી લીધી હતી. આ પછી આરોપીએ યુવતીની છેડતી કરવાનું શરૃ કર્યું હતું. આ દરમિયાન ત્યાં હાજર યુવતીના મિત્રએ તેનો વિરોધ કરતાં ત્રણેય મળીને તેને માર માર્યો હતો અને યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો અને બાદમાં ભાગી ગયા હતા. હાલમાં યુવતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે યુવતી મોડી રાત્રે બોપદેવ ઘાટ વિસ્તારમાં તેના મિત્ર સાથે ફરવા ગઈ હતી. જયાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને સવારે ૫ વાગ્યાની આસપાસ કરવામાં આવી હતી. આરોપીની શોધ ચાલુ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ અને ડીબીની ૧૦ ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસે હોસ્પિટલ પહોંચી પીડિતાનું નિવેદન નોંધ્યું છે.
સામૂહિક બળાત્કાર કરનાર આરોપીઓની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પોલીસ પીડિતાના મિત્રની પણ પૂછપરછ કરી રહી છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
