News of Saturday, 5th October 2024
શાકાહારી થાળીના ભાવમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકાનો વધારો
જયારે માંસાહારી થાળીની કિંમત ૨ ટકા સસ્તી થઇડુંગળી, બટેટા અને ટામેટાના ભાવમાં અનુક્રમે ૫૩ ટકા, ૫૦ ટકા અને ૧૮ ટકાનો વધારો થયો છે

નવી દિલ્હી, તા.૫: ઘરે રાંધેલા શાકાહારી થાળીના ભાવમાં સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે ૧૧ ટકાનો વધારો થયો છે, જ્યારે માંસાહારી થાળીની કિંમત ૨ ટકા સસ્તી થઈ છે. શુક્રવારે જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. શાકાહારી થાળીની વધેલી કિંમત શાકભાજીના ભાવમાં વધારાને કારણે છે, જે થાળીના કુલ ભાવના ૩૭ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. વાર્ષિક ધોરણે ડુંગળીના ભાવમાં ૫૩ ટકા, બટાકાના ભાવમાં ૫૦ ટકા અને ટામેટાના ભાવમાં ૧૮ ટકાનો વધારો થયો છે.
CRISIL માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સ રિપોર્ટ અનુસાર, ડુંગળી, બટેટા અને ટામેટાના ભાવમાં અનુક્રમે ૫૩ ટકા, ૫૦ ટકા અને ૧૮ ટકાનો વધારો થયો છે. ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો નીચી આવકને કારણે થયો છે, જ્યારે ટામેટાના ઉત્પાદનને ભારે વરસાદને કારણે અસર થઈ છે, જેના કારણે ભાવમાં ઉછાળો નોંધાયો છે. ક્રિસિલ માર્કેટ ઇન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સના ડિરેક્ટર-રિસર્ચ પુશન શર્માએ જણાવ્યું હતું કે, ‘બ્રૉઇલરના ભાવમાં ઘટાડો થવાને કારણે નોન-વેજ થાળીની કિંમત ગયા વર્ષની સરખામણીમાં ઘટી છે.' જ્યારે ખરીફ પુરવઠો બજારમાં આવશે ત્યારે ડુંગળીના ભાવમાં નજીવો સુધારો થવાની અમને અપેક્ષા છે. ‘બટાકાના ભાવમાં પણ ઘટાડો થવાની ધારણા છે, જોકે, ચુસ્ત સપ્લાયને કારણે ટામેટાના ભાવ ઊંચા રહી શકે છે.'
કઠોળના ભાવ, જે શાકાહારી થાળીની કિંમતના ૯ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ગયા વર્ષે ૧૪ ટકા વધ્યો હતો. કઠોળના ભાવમાં વધારો થતાં આ વર્ષે -ારંભિક સ્ટોક ઘટયો હતો. સ્ટોક ઘટવાને કારણે ભાવમાં વધુ વધારો થયો હતો. રિપોર્ટ અનુસાર ઈંધણની કિંમતમાં ૧૧ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત ગયા વર્ષના સપ્ટેમ્બરમાં ૯૦૩ રૂપિયાથી ઘટીને આ વર્ષે માર્ચમાં ૮૦૩ રૂપિયા થઈ ગઈ છે. ઇંધણની કિંમતમાં આ ઘટાડો થાળીની કિંમતમાં વધુ વધારો અટકાવી શકયો. રિપોર્ટ અનુસાર, વાર્ષિક ધોરણે નોન-વેજ થાળીમાં બ્રોઈલરની કિંમતમાં અંદાજિત ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ નોનવેજ થાળીની કિંમતના ૫૦ ટકા હિસ્સો છે. થાળીની સરેરાશ કિંમત ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ભારતમાં પ્રવર્તતી ઈનપુટ કિંમતોના આધારે ગણવામાં આવે છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
