News of Wednesday, 9th October 2024
વાવાઝોડાને કારણે એક ચમત્કાર : ઉજ્જડ રણ લીલુછમ સ્વર્ગ બન્યું
વરસાદ મોરક્કોના રણ માટે વરદાન સાબિત થઈ રહ્યો છે : મોરોક્કોના સૂકા રણમાં એક તળાવ બન્યું મોરોક્કોના મોટાભાગના ભાગો સતત છ વર્ષથી ગંભીર દુષ્કાળનો અનુભવ કરી રહ્યા હતા

લંડન, તા.૯: મોરોક્કન રણ વિશ્વના સૌથી સૂકા સ્થળોમાંનું એક છે. પરંતુ ૭મી અને ૮મી સપ્ટેમ્બરે આવેલા ચક્રવાતી વાવાઝોડાને કારણે એક વર્ષથી વધુ વરસાદ થયો હતો. આ ભારે વરસાદથી ત્યાં ભારે વિનાશ થયો અને ઘણા લોકોએ તેને ભગવાનનો કોપ પણ કહ્યો. જો કે, હવે તે વરસાદ મોરક્કોના રણ માટે વરદાન સાબિત થઈ રહ્યો છે.
તેને કુદરતનો ચમત્કાર કહી શકાય કે વિશ્વના સૌથી સૂકા વિસ્તારોમાંથી એક ગણાતા સહારાનું રણ હવે હરિયાળું થવા લાગ્યું છે. ગયા મહિને ઉત્તર-પશ્ચિમ આફ્રિકન દેશ મોરોક્કોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ભારે પૂર આવ્યું હતું અને ભારે વિનાશ થયો હતો.
ઘણા લોકોએ આ સૂકા રણ દેશમાં આવા મુશળધાર વરસાદને ભગવાનનો કોપ પણ ગણાવ્યો હતો. જો કે, હવે ખબર પડી રહી છે કે તે કોઈ આફત નથી પરંતુ મોરોક્કો માટે વરદાન સાબિત થઈ રહી છે.
હકીકતમાં, ૭ અને ૮ સપ્ટેમ્બરના રોજ, ઉત્તર-પશ્ચિમ આફ્રિકામાં એક શક્તિશાળી તોફાન આવ્યું હતું, જેના કારણે ત્યાં મૂશળધાર વરસાદ થયો હતો. આ વરસાદ પછી, મોરોક્કોના સૂકા રણમાં એક તળાવ બન્યું.
મોરોક્કન સરકારે કહ્યું કે સપ્ટેમ્બરના આ બે દિવસોમાં એક વર્ષ કરતાં વધુ વરસાદ પડ્યો. આ સમયગાળા દરમિયાન માત્ર ટાટા વિસ્તારમાં જ ૩.૯ ઈંચ વરસાદ નોંધાયો હતો. મોરોક્કોના ડિરેક્ટોરેટ જનરલ ઓફ મીટીરોલોજીના હુસૈન યુઆબેબે જણાવ્યું હતું કે, આટલા ટૂંકા ગાળામાં આટલો બધો વરસાદ પડયાને ૩૦ થી ૫૦ વર્ષ થઈ ગયા છે.
મોરોક્કોના મોટાભાગના ભાગો સતત છ વર્ષથી ગંભીર દુષ્કાળનો અનુભવ કરી રહ્યા હતા. જેના કારણે ખેડૂતોને તેમના ખેતરો ખાલી કરવા પડ્યા હતા અને શહેરોથી ગામડાઓ સુધી પાણીનું રેશનિંગ કરવું પડ્યું હતું.
જો કે, હવે આ વરસાદને કારણે રણની નીચે મોટા પ્રમાણમાં પાણી એકઠું થતાં પાણીની તંગીનો સામનો કરી રહેલા ખેડૂતો તેમજ સામાન્ય લોકોના ચહેરા પર ખુશી જોવા મળી છે.
આ વરસાદ પછી સૂકા રણમાં પાણીની નદી સર્જાઈ હતી અને હરિયાળીની ચાદર જોવા મળી હતી તો સાથે જ તળાવના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં ઝાડીઓ અને વળક્ષો ઝડપથી ઉગી રહ્યા છે. હવે આ રણ વિસ્તાર પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલો છે અને લોકો દૂર-દૂરથી વાહનોમાં અહીં આવી રહ્યા છે અને પ્રકળતિના આ ચમત્કારનો આનંદ માણી રહ્યા છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
