<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th October 2024

યુવતીઓ લગ્ન પહેલાં જ બાળકને જન્‍મ આપે છે અને ત્‍યારબાદ જ લગ્ન કરે છે

રાજસ્‍થાન રાજયની એક અનોખી પરંપરા

જયપુર,તા. ૧૦: રાજસ્‍થાનની એક અનોખી પરંપરા કે જયાં યુવતીઓ લગ્ન પહેલાં જ બાળકને જન્‍મ આપે છે અને ત્‍યાર બાદમાં જ લગ્ન કરે છે. હવે તમને થશે કે આખરે આવું કેમ? ચાલો એ વિશે પણ વાત કરીએ. રાજસ્‍થાનના આદિવાસી તેમ જ અનેક ગ્રામીણ વિસ્‍તારમાં આજે પણ જૂની સામાજિક પ્રથાઓને અનુસરવામાં આવે છે. આ જૂની સામાજિક પ્રથાઓમાંથી જ એક એટલે લગ્ન પહેલાં બાળકને જન્‍મ આપવાનો અને ત્‍યાર બાદ જ લગ્ન કરવા.

તમારી જાણ માટે કે આ પ્રથાનું રાજસ્‍થાનના ડુંગરપુર અને બાંસવાડાના ગરાસિયા જનજાતિના લોકો દ્વારા પાલન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે જયારે યુવતી બાળક પેદા કરે છે ત્‍યારે જ તેના લગ્ન કરવામાં આવે છે. એટલું જ નહીં પણ આ સમાજના લોકોના વિચારો એટલા પ્રગત છે કે અહીં યુવતીઓ પોતાની મન મરજીથી લગ્ન કરે છે, અને પરિવાર દ્વારા આ બાબતમાં કોઈ પણ પ્રકારની દખલગીરી કરવામાં આવતી નથી.

અહીં યુવતીઓ કોઈની પણ સાથે રિલેશનશિપમાં હોય એનાથી ખાસ કંઈ ફરક નથી પડતો. મોટા-મોટા શહેરોમાં જયાં હજી પણ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની વાતને એટલી સારી દ્રષ્ટિએ નથી જોવામાં આવતું ત્‍યાં આ સમાજની યુવતીઓ લગ્ન પહેલા લિવ ઈન રિલેશનશિપમાં રહે છે અને બાળકને જન્‍મ આપે છે, ત્‍યાર બાદ જ તેના લગ્ન કરવામાં આવે છે. આ પાછળની એક માન્‍યતા એવી પણ છે કે આ રીતે લગ્ન પહેલાં બાળક પેદા કરવાથી યુવતીના પરિવાર પરથી દહેજ આપવાનો બોજો પ્રમાણમાં ઘટી જાય છે.

છે ને એકદમ અનોખી પરંપરા? અત્‍યાર સુધી તમને રાજસ્‍થાનના કોઈ જિલ્લામાં આવી પરંપરાનું પાલન કરવામાં આવે છે એની જાણ હતી ખરી?

(9:42 AM IST)