<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં નોકરી મેળવવી મુશ્કેલ બની: અભ્યાસ બાદ વર્ક વિઝા માટે પાસ કરવી પડશે ટેસ્ટ

પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP)ને લગતા નિયમોાં ફેરફાર કર્યાં: નવા નિયમો 1લી નવેમ્બર,2024થી લાગૂ થશે

નવી દિલ્હી :ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડામાં અભ્યાસ કરી ત્યાં જ નોકરી મેળવવી હવે સરળ નહીં રહે. પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP)ને લગતા નિયમોાં ફેરફાર કર્યાં છે. નવા નિયમો 1લી નવેમ્બર,2024થી લાગૂ થશે. સરકારે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે નવા માપદંડને નક્કી કર્યાં છે. કેનેડા સરકારે આ નિમ ખાસ કરીને ઉદ્યોગોમાં શ્રમિકોની અછતને નિવારવા માટે તૈયાર કર્યાં છે.

કેનેડા સરકાર એ પણ સુનિશ્ચિત કરવા માંગે છે કે વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાની સાથે સાથે ફ્રેન્ચ ભાષાનું પણ જ્ઞાન હોય. સ્નાતક થયા પછી કેનેડામાં કામ કરવા માંગતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ હવે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ માટે નવી શરતો પૂરી કરવી પડશે. નવા નિયમો ખૂબ જ કડક બનાવવામાં આવ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ખાસ કરીને ભારતીયો માટે મુશ્કેલીઓ વધવાની છે.

પોસ્ટ સ્ટડી વર્ક વિઝા માટેના નવા નિયમોમાં સૌથી મહત્વની એવી લેંગ્વેજ પ્રોફિસિએન્સી ટેસ્ટ છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ હવે અંગ્રેજી અથવા ફ્રેન્ચ ભાષામાં નિપૂર્ણતા સાબિત કરવી પડશે. અંગ્રેજી માટે વિદ્યાર્થીઓએ CELPIP, IELTS અને PTE પૈકી કોઈપણ એક પરીક્ષા પાસ કરવી પડશે.

જ્યારે ફ્રેન્ચ ભાષા માટે TEF કેનેડા અથવા TCF કેનેડાની પરીક્ષા આપવી પડશે. સ્નાતક, માસ્ટર અથવા ડોક્ટરલ વિદ્યાર્થીઓએ ચાર ક્ષમતાઓમાં કેનેડિયન ભાષા બેન્ચમાર્ક સ્તર 7 પ્રાપ્ત કરવા જરૂરી છે, જેમાં વાંચન, લેખન, લિસનિગ અને સ્પીકિગનો સમાવેશ થાય છે.

કેનેડામાં તેમનો અભ્યાસ પૂરો કર્યા પછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસે વર્ક પરમિટ માટે અરજી કરવા 180 દિવસનો સમય હોય છે. જો કે, જો કોઈ વિદ્યાર્થી PGWP મેળવતા પહેલા કામ કરવા માંગતો હોય તો તેણે માન્ય પરમિટ મેળવવી પડશે. અરજી દરમિયાન વિદ્યાર્થીએ તેની ડિગ્રી, ડિપ્લોમા, અધિકૃત ટ્રાન્સક્રિપ્ટ અથવા સંસ્થા તરફથી પ્રાપ્ત પૂર્ણતાનો પત્ર બતાવવાનો રહેશે.

નવા નિયમ પ્રમાણે સ્નાતકો હવે એન્ટ્રી પોર્ટ પર પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં. આ માટે કેનેડામાં અથવા વિદેશમાંથી ઑનલાઇન સબમિશનની જરૂર છે. આ ઉપરાંત જેઓ એવા સેક્ટરમાં કામ કરવા માગે છે જ્યાં મેડિકલ ટેસ્ટ જરૂરી હોય તેમણે વર્ક પરમિટ માટે અરજી કરતાં 90 દિવસ પહેલાં મેડિકલ પરીક્ષાની પસંદગી કરવી પડશે.

(12:32 AM IST)