News of Friday, 11th October 2024
હરિયાણાની નવી સરકાર 15 ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે :10-11 મંત્રીઓ લઈ શકે શપથ:વડાપ્રધાન પણ હાજરી આપશે
સેક્ટર 5માં પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ દ્વારા નવા મુખ્યમંત્રીને શપથ લેવડાવશે :શહેરમાં સુરક્ષા અને વહીવટી તૈયારીઓ તેજ : આસપાસના રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ

હરિયાણાની નવી સરકાર 15 ઓક્ટોબરે પંચકુલામાં શપથ લેશે. વડાપ્રધાન મોદી આ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે. 15 ઓક્ટોબરે સેક્ટર 5માં પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યપાલ દ્વારા નવા મુખ્યમંત્રીને શપથ લેવડાવવામાં આવશે.
આ આયોજનને લઈને શહેરમાં સુરક્ષા અને વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સેક્ટર 5 આસપાસના રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ થઈ ગઈ છે અને વહીવટીતંત્ર આ વિસ્તારને સુધારવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
આ સાથે, સ્થળની આસપાસના શેરી વિક્રેતાઓ અને નાની દુકાનોને તેમની દુકાનો 5 દિવસ માટે હંગામી ધોરણે બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ કાર્યક્રમની સુરક્ષા અને ભવ્યતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે.
90 સભ્યોની વિધાનસભામાં મુખ્યમંત્રીની સાથે 14 મંત્રીઓ શપથ લઈ શકે છે, પરંતુ શરૂઆતમાં 10થી 11 મંત્રીઓ શપથ લે તેવી શક્યતા છે.
આ વખતે ડેપ્યુટી સીએમની કોઈ શક્યતા નથી, કારણ કે અહીં કોઈ વિવાદ નથી. વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યાના માત્ર 15 ટકા જ કેબિનેટમાં સામેલ થઈ શકે છે. 90માંથી 15 ટકાના હિસાબે 14 મંત્રીઓ કેબિનેટમાં સામેલ થઈ શકે છે.
ભાજપની નવી સરકારમાં આ વખતે નાયબ મુખ્યમંત્રી બનાવવાની કોઈ ચર્ચા નથી. ભાજપની પણ કોઈ મજબૂરી નથી. ગત વખતે જ્યારે ભાજપને પૂર્ણ બહુમતી ન મળી ત્યારે તેને જેજેપીનું સમર્થન લેવાની ફરજ પડી હતી અને તેના બદલામાં દુષ્યંત ચૌટાલાને નાયબ મુખ્યમંત્રી પદ આપવું પડ્યું હતું. આ વખતે ભાજપના મોટાભાગના નવા ચહેરા ચૂંટણી જંગમાં વિજયી બન્યા છે, જ્યારે જૂના ચહેરાઓને રાજ્યની જનતાએ નકારી કાઢી છે.
અંબાલા કેન્ટોનમેન્ટમાંથી સાતમી વખત ચૂંટણી જીતનાર પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજને આ વખતે કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે. અનિલ વિજ લાંબા સમયથી નારાજ છે અને તેમણે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. જીંદના ધારાસભ્ય કૃષ્ણા મિઢા (પંજાબી), ઇસરાનાથી ચૂંટણી જીતેલા રાજ્યસભાના સભ્ય કૃષ્ણા પંવાર (દલિત) અને નરવાનાથી ચૂંટણી જીતેલા પૂર્વ મંત્રી કૃષ્ણ કુમાર બેદી (વાલ્મિકી) મંત્રી પદ માટે મજબૂત ઉમેદવારો બની રહ્યા છે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
