<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

મહાદેવ એપના માલિક અને માસ્‍ટર માઇન્‍ડની દુબઈમાં ધરપકડ

૬૦૦ કરોડની છેતરપિંડીનો કેસ સૌરભને એક સપ્તાહમાં ભારત લાવવામાં આવી શકે છે

દુબઇ, તા.૧૧: બેટિંગ એપ મહાદેવના માલિક સૌરભ ચંદ્રાકરને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્‍યા છે. વાસ્‍તવમાં અનેક મહિનાઓની મહેનત બાદ હવે સૌરભ ચંદ્રાકરની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) દ્વારા ઈન્‍ટરપોલની રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવ્‍યા બાદ ચંદ્રાકર વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્‍યું કે, સૌરભને એક સપ્તાહમાં ભારત લાવવામાં આવી શકે છે. EDએ સૌરભ ચંદ્રાકર પર એપ દ્વારા લાખો લોકો સાથે અબજોની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્‍યો છે.

સૌરભ ચંદ્રાકરની ધરપકડ બાદ સમગ્ર નેટવર્કના તમામ રહસ્‍યો બહાર આવી શકે છે. આ કેસમાં EDએ અત્‍યાર સુધીમાં કુલ ૧૨ લોકોની ધરપકડ કરી છે. કેન્‍દ્રીય એજન્‍સીએ કહ્યું હતું કે, અપરાધની અંદાજિત આવક ૬૦૦૦ કરોડ રૂપિયા છે. એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ED) એક વર્ષથી વધુ સમયથી મહાદેવ એપ સંબંધિત મની લોન્‍ડરિંગના કેસની તપાસ કરી રહી છે.

EOW એ રાજ્‍યમાં ભાજપ સત્તામાં આવ્‍યા પછી ED દ્વારા સબમિટ કરેલા અહેવાલના આધારે માર્ચમાં ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ગુનાહિત કાવતરું), ૪૨૦ (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. એપ પ્રમોટર રવિ ઉપ્‍પલ, સૌરભ ચંદ્રાકર, શુભમ સોની અને અનિલ કુમાર અગ્રવાલ ઉપરાંત છત્તીસગઢના પૂર્વ મુખ્‍યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલનું નામ આમાં સામેલ છે.

EDએ કહ્યું છે કે, તેમની તપાસમાં છત્તીસગઢના ઘણા મોટા નેતાઓ અને અમલદારોની સંડોવણી બહાર આવી છે. સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્‍પલ આ એપના માલિક છે જે દુબઈમાં રહીને ગેરકાયદે સટ્ટાબાજીનો ધંધો ચલાવતો હતો. એવો દાવો કરવામાં આવ્‍યો છે કે, આ એપ એક અમ્‍બ્રેલા સિન્‍ડિકેટ હતી જેણે નવા યુઝર્સની નોંધણી કરવા, યુઝર આઈડી બનાવવા અને ‘અનામી' બેંક એકાઉન્‍ટ્‍સ દ્વારા નાણાંની લેવડ-દેવડ કરવા માટે ગેરકાયદેસર સટ્ટાબાજીની વેબસાઈટ માટે ઓનલાઈન પ્‍લેટફોર્મ પૂરું પાડ્‍યું હતું.

(3:08 PM IST)