<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th October 2024

હરિયાણા : નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૫ ઓક્‍ટોબરે પંચકુલામાં યોજાશે

પીએમ મોદી સહિત અનેક રાજયોના મુખ્‍યમંત્રીઓ સામેલ થશે : નવા ચહેરાઓને તક મળશે

 

 

નવી દિલ્‍હી તા. ૧૧ : હરિયાણામાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ૧૫ ઓક્‍ટોબરે પંચકુલામાં યોજાશે. રાજયના મુખ્‍ય સચિવે કાર્યની તૈયારી માટે ૧૦ સભ્‍યોની સમિતિની રચના કરી છે. શપથ સમારોહમાં પીએમ મોદી સહિત અનેક રાજયોના મુખ્‍યમંત્રીઓ ભાગ લેશે. નાયબ સૈની સીએમ બનવું નિヘતિ છે. તેમની સાથે ૧૦ થી ૧૧ મંત્રીઓ પણ શપથ લઈ શકે છે.

ભાજપ બહુમતીમાં છે, જોકે ત્રણ અપક્ષ ધારાસભ્‍યો સાવિત્રી જિંદાલ, દેવેન્‍દ્ર કડિયાન અને રાજેશ જૂને ભાજપને સમર્થન જાહેર કર્યું છે. હવે પક્ષની તરફેણમાં ૫૧ સભ્‍યો છે. સરકારને સમર્થન જાહેર કરનાર ત્રણ અપક્ષ ધારાસભ્‍યોમાંથી એકને મંત્રી બનાવવામાં આવી શકે છે.

અગાઉની સૈની સરકારના દસમાંથી આઠ મંત્રીઓ અને વિધાનસભાના અધ્‍યક્ષ ચૂંટણી હારી ગયા છે. આવી સ્‍થિતિમાં નવી સરકારમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. સ્‍વર્ગસ્‍થ બંસીલાલની પૌત્રી શ્રુતિ ચૌધરીનું કેબિનેટમાં સામેલ થવું નિશ્ચિત માનવામાં આવે છે.

હરિયાણાના આગામી મુખ્‍યમંત્રી નાયબ સિંહ સૈની હશે. પાર્ટીની અંદર આ અંગે કોઈ શંકા નથી. પીએમ મોદી અને શાહે તેમની રેલીઓમાં નાયબ સિંહ સૈનીને મુખ્‍યમંત્રીનો ચહેરો ગણાવ્‍યો હતો. આવી સ્‍થિતિમાં મુખ્‍યમંત્રીના ચહેરાને લઈને કોઈ સસ્‍પેન્‍સ નથી. જો કે ડેપ્‍યુટી સીએમની ફોર્મ્‍યુલાને લઈને પાર્ટીમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

(4:37 PM IST)