<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th October 2024

જસ્ટિન ટ્રુડો જેના જોરે ઉછળે છે એ શું છે ફાઈવ આઈઝ ગઠબંધન?: ભારતને નુકસાન થઈ શકે ?

ટ્રુડોએ તાત્કાલીક ફાઈવ આઈઝ એલાયન્સના દેશોનો સંપર્ક કરવાનું શરુ કરી દીધું અને ભારત વિરુદ્ધ પશ્ચિમી દેશોને ઉશ્કેરવાની રમત રમવા માંડી.

નવી દિલ્હી :  ભારત અને કેનેડા વચ્ચે બે દિવસની અંદર દ્વિપક્ષીય સંબંધોમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે. આ તણાવ અને વિવાદમાં હવે બ્રિટન પણ કૂદી પડ્યું છે. બ્રિટને પણ ભારત પાસે કેનેડાની તપાસમાં સહયોગીની અપેક્ષા કરી છે. બ્રિટને બુધવારે કહ્યું કે, કેનેડાની કાયદાકીય પ્રક્રિયામાં ભારતના સહયોગ બંને દેશો વચ્ચે ચાલી રહેલી કૂટનીતિક વિવાદમાં આગામી યોગ્ય પગલું છે. 

 આ સાથે જ બ્રિટને કહ્યું કે, તેમને કેનેડાની ન્યાયિક પ્રણાલી પર પૂરો વિશ્વાસ છે. બ્રિટન ત્રીજો દેશ છે જેણે આ પ્રકારની વાત કરી છે. આ પહેલા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા પણ કેનેડાની આજીજી બાદ આવી વાત કરી ચુક્યા છે.

જ્યારે સોમવારે ખાલિસ્તાન અલગતાવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે કેનેડાએ ફરીથી પાયાવિહોણા અને મનફાવે તેવા આરોપ લગાવ્યા ત્યારે ભારતે તેના પ્રભારી ઉચ્ચાયુક્તને નવી દિલ્હીમાં સમન્સ આપી ચોટદાર જવાબ આપ્યો. જે બાદ નવી દિલ્હીએ ઓટાવાથી પોતાની રાજનાયિકો અન અધિકારીઓને સુરક્ષા ખતરાને કારણે પરત બોલાવવાનો નિર્ણય કર્યો અને કેનેડાના છ રાજનાયિકોને દેશ છોડવાના આદેશ આપી દીધા. ત્યારબાદથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ઘાંઘા થઈ ગયા છે. ટ્રુડોએ તાત્કાલીક ફાઈવ આઈઝ એલાયન્સના દેશોનો સંપર્ક કરવાનું શરુ કરી દીધું અને ભારત વિરુદ્ધ પશ્ચિમી દેશોને ઉશ્કેરવાની રમત રમવા માંડી.

ફાઈવ આઈઝ એક ગુપ્ત ગઠબંધન છે, જેમાં પાંચ દેશ સામેલ છે. આ પાંચ દેશોમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. 1946માં આ પાંચ અંગ્રજભાષી દેશો અને તેમની સુરક્ષા એજન્સીઓ વચ્ચે ગુપ્ત જાણકારી શેર કરવા દ્વીપક્ષીય સમજૂતી થઈ હતી. આ ઉપરાંત આ ગઠબંધનના સભ્યો એટલે અમેરિકાની NSA, બ્રિટનની GCHQ, ઓસ્ટ્રેલિયાની ASD, કેનેડાની CSEC અને ન્યુઝીલેન્ડની GCSB સામેલ છે. 

 આ ફાઈવ આઈઝ એલાયન્સને દુનિયાના સૌથી જોરદાર ઈન્ટેલિજન્સ એજેન્સી નેટવર્ક માનવામાં આવે છે. 1948માં કેનેડા અને 1956માં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તેમાં સામેલ થયા હતા. કોલ્ડ વોરના દિવસોમાં સોવિયત સંઘ પર નજર રાખવા માટે તેનો ઘણો જ ઉપયોગ કરાયો હતો.

આ ગઠબંધન અંતર્ગત જેટલા પણ દેશ આવે છે, તે તમામ એકબીજા સાથે મલ્ટીલેટરલ એરેન્જમેન્ટ અંતર્ગત ગુપ્ત જાણકારીઓ શેર કરે છે. આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા તેના માટે પહેલી પ્રાથમિકતામાં સામેલ છે. કહેવાય છે કે આ ગઠબંધનની શરુઆત બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી. 1980ના દશકા સુધી કોઈ બીજા દેશને આ ગઠબંધન અંગે ખબર ન હતી. ત્યાં સુધી કે આ એલયાન્સને સત્તાવાર રીતે કોઈ અન્ય દેશ સ્વીકારતું ન હતું પરંતુ 2010માં પહેલી વખત આ અંગે લોકોને ખ્યાલ આવ્યો હતો. ફાઈવ આઈઝ એલાયન્સ (સંક્ષિપ્ત રુપમાં FVEY) એક સહકારી ગુપ્ત નેટવર્ક છે જે નાગરિકો અને વિદેશી સરકારોને ઈલેક્ટ્રોનિક સંચાર પર નજર રાખે છે. કેનેડા આ એલાયન્સ થકી જ ભારત વિરુદ્ધ ચક્રવ્યૂહ રચવા માગે છે.

જાણકારોના મંતવ્ય મુજબ, આ ગુપ્ત એલાયન્સ ભારત પર દબાણ કર્યા સિવાય કંઈ જ ન કરી શકે અને વધુ શક્યતા એવી છે કે તેમાં સામેલ પાંચમો દેશ ન્યુઝીલેન્ડ હાલના વિવાદથી દૂર જ રહે. આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે જસ્ટિન ટ્રુડોએ જે રીતે આ દેશોને સમર્થનની આશા કરી હતી, જે તેમને ન મળી શક્યું. અત્યાર સુધી અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાએ આ મામલે મીક્સ પ્રતિક્રિયા આપી છે. આગળ પણ તેમની પાસેથી આવી જ કૂટનીતિક સમજદારી અને સહયોગની આશા સેવાઈ રહી છે. કુલ ગઠબંધન થકી ટ્રુડોએ ભારત વિરુદ્ધ ચક્રવ્યૂહ રચવાનો પ્રયાસ કર્યો છે, જેમાં તે ફેઇલ થતાં જોવા મળી રહ્યાં છે.

(11:41 PM IST)