<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ઈરાની બોર્ડર ગાર્ડ દ્વારા અફઘાન શરણાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર : ૨૫૦ થી વધુ મોત

ગોળીબારમાં બચી ગયેલા લોકોએ ભયાનક ઘટનાનું વર્ણન કર્યુ જ્‍યારે ઈરાની સૈન્‍ય દળોએ તેમને નિશાન બનાવ્‍યા અને ગોળીબાર કર્યો

તેહરાન, તા.૧૭: અફઘાનિસ્‍તાન બોર્ડર પર ઈરાનના બોર્ડર ગાર્ડ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ૨૫૦ અફઘાન નાગરિકોના મોત થયા છે. ઈરાન હ્યુમન રાઈટ્‍સ ઓર્ગેનાઈઝેશન (હલ્‍વાશ) એ આ દાવો કર્યો છે. સંગઠન અનુસાર, આ લોકો અફઘાન શરણાર્થીઓ હતા, જેઓ ઈરાનની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઈરાની દળોએ સરહદ પર આ લોકો પર ગોળીબાર કર્યો હતો. હલવાશનું કહેવું છે કે તેણે આ અહેવાલ તે અફઘાન લોકો પાસેથી મળેલી માહિતીના આધારે બનાવ્‍યો છે જેઓ ઈરાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા આ જૂથનો ભાગ હતા. આ લોકોએ પોતાના સાથીઓને પોતાની આંખોથી મરતા જોયા છે.

સંગઠને પીડિતોના મળતદેહ દર્શાવતો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કહેવામાં આવ્‍યું છે કે રવિવારે રાત્રે કલગન સરવનના સરહદી વિસ્‍તારમાં માર્યા ગયા હતા. હલવાશે ખુલાસો કર્યો હતો કે સ્‍થળાંતર કરનારાઓના જૂથમાં ૩૦૦ થી વધુ લોકોનો સમાવેશ થાય છે. આ જૂથમાંથી ફક્‍ત ૫૦ જ બચી શકયા. આ ગોળીબારમાં જૂથના બાકીના લોકો માર્યા ગયા હતા.

આ અહેવાલ ઈરાની દળો દ્વારા અફઘાન શરણાર્થીઓની સતામણી, ત્રાસ અને દુર્વ્‍યવહારના અહેવાલો વચ્‍ચે આવ્‍યો છે. ઈરાની સરહદ રક્ષકોની કાર્યવાહીની સ્‍થાનિક અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે તીવ્ર પ્રતિક્રિયાઓ થઈ છે. જો કે હજુ સુધી અફઘાનિસ્‍તાનની તાલિબાન સરકારના અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ ટિપ્‍પણી કરવામાં આવી નથી.

ઈરાનમાં મોટી સંખ્‍યામાં અફઘાન શરણાર્થીઓ છે પરંતુ તેમની સ્‍થિતિ ઘણી ગંભીર છે. ઈરાનમાં અફઘાન શરણાર્થીઓ માનવ અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનનો સામનો કરે છે. તેનાથી આંતરરાષ્‍ટ્રીય માનવાધિકાર સંગઠનોની ચિંતા વધી છે. તે જ સમયે, તાજેતરના મહિનાઓમાં સરહદ પર શરણાર્થીઓને રોકવા માટે ગોળીબારની ઘણી ઘટનાઓ બની છે. જેના કારણે અફઘાનિસ્‍તાનના લોકોની મુશ્‍કેલીઓ વધી છે.

(10:06 AM IST)