<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

કેજરીવાલને જેલમાં કેમ મોકલ્‍યા, લોકો જણાવશે ‘‘આપ''

કેજરીવાલે શરૂ કર્યું જનસંપર્ક અભિયાનઃ દિલ્‍હીવાસીઓના નામે પત્ર લખ્‍યો, કાર્યકરો ઘરે-ઘરે જઇને આપશે

નવી દિલ્‍હી તા.૧૭: ભૂતપૂર્વ મુખ્‍યપ્રધાન અરવિંદ કેજરીવાલે બુધવારે પક્ષના કાર્યાલયથી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી હતી. તેના હેઠળ આપના કાર્યકરો ૨૯ ઓકટોબર સુધી દિલ્‍હીની જનતાના નામે લખાયેલ તેમનો પત્ર લઇને ઘરે-ઘરે જશે. તેમાં કેજરીવાલને જેલમાં મોકલવા પાછળનું કારણ લોકોને જણાવવામાં આવશે.

કેજરીવાલે કહયું કે તેમણે દિલ્‍હીમાં મફત અને ૨૪ કલાક વીજળી, પાણી, સારવાર, મહિલાઓનો બસ પ્રવાસ, વડીલોની તીર્થયાત્રા સહિતની અન્‍ય સુવિધાઓ આપી છે. ભાજપા પોતાના શાસિત રાજયોમાં દિલ્‍હી જેવી સુવિધાઓ નથી આપી રહી. એટલે  તેમને જેલમાં પુર્યા જેથી આ સુવિધાઓ બંધ કરીને પોતાના શાસિત રાજયોમાં ઉઠી રહેલી પ્રજાની માંગણીઓને દબાવી શકાય.

કેટલાય લોકો મળ્‍યા પછી કેજરીવાલે લોકોના બધા પ્રશ્‍નોના જવાબ એક પત્રના રૂપમાં તૈયાર કર્યા છે. આપ કાર્યકરો આ પત્રને લઇને ઘરે-ઘરે જશે અને લોકોને આપશે. જેથી તેમના મનમાં જે સવાલ છે, તેનો જવાબ મળી શકે.

કેજરીવાલ અનુસાર, તેમના કામથી એટલે ડર છે કે ભાજપાએ જેલમાં દરેક પ્રકારના પ્રયાસો કર્યા કે હું સહી સલામત બહાર ના આવી શકુ. જેલમાં મારી દવાઓ બંધ કરી દીધી જેનાથી મારી કીડની ખરાબ થઇ શકત અને મોત પણ થઇ શકત. ભાજપાના આ ષડયંત્ર પછી પણ ભગવાનની કૃપા, પ્રજાના આશીર્વાદ, બંધારણની તાકાત અને સુપ્રીમ કોર્ટના ન્‍યાયના કારણે હું જેલમાંથી બહાર આવી ગયો છું.

(1:31 PM IST)