<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th October 2024

ભારત ડાયમંડ બુર્સની ઓફીસ સામે ભાડુતોનો હોબાળોઃ ભાડુ ઓછુ કરવા માંગ : ‘ભાડાબૂ' ઝુકે તેવી સંભાવના નથી

જેમને સુરત જવું હોય તે જઇ શકે છે પરંતુ ત્રાગા કે દબાણ નીતિની કોઇ અસર થશે નહિઃ નિષ્‍ણાંતનું મંતવ્‍ય

મુંબઇ, તા., ૧૭: તાજેતરમાં અચાનક ભારત ડાયમંડ બુર્સમાં  ભાડે ઓફિસ લેનારા ભાડુતોએ અચાનક ભારત ડાયમંડ બુર્સની ઓફિસ સામે હોબાળો મચાવ્‍યો હતો. ભાડુતોએ ભાડું ઓછું કરો, ભાડુ ઘટાડો. અમારી માંગણીઓ પૂર્ણ કરો જેવા સૂત્રોચ્‍ચાર કર્યા હતા તેમ જણાવી હીરા બજારના નિષ્‍ણાત શ્રી હાર્દિક હુંડિયાએ જણાવ્‍યું હતું કે એક તરફ હીરા બજારમાં ભારે મંદી છે તો બીજી તરફ હીરાના વેપારીઓએ શેર બજારમાં મોટાપાયે રોકાણ કરીને અઢળક રૂપિયાની કમાણી કરી છે.  ગૌતમ ભાઈ અદાણી પણ એક સમયે હીરા બજારમાં હીરાનો ધંધો કરવા આવ્‍યા હતા, અદાણીને કારણે હીરા બજારમાં લોકોએ ખૂબ કમાણી કરી છે. અત્‍યારે હીરાનો વ્‍યાપાર ભારે મંદીમાં છે. સીવીડી હીરાની હાલત તો ખૂબ જ ખરાબ છે.

શ્રી હુંડિયા જણાવે છે કે એક બેંક કર્મચારીએ ત્રણ વર્ષ પહેલા સીવીડી હીરાને ૭૦ હજાર રૂપિયામાં ખરીદ્યો હતો, તેણે વિચાર્યું હતું કે હવે તેને દોઢ લાખ રૂપિયા મળશે. પણ એ હીરાની કિંમત આજે ૭૦૦૦ રૂપિયા ગણાય.

 કિરણ એક્‍સપોર્ટે કારીગરોને ૧૦ દિવસ માટે અચાનક રજા જાહેર કરી, એશિયન સ્‍ટાર કંપનીએ બોનસ નહીં આપવાનો નિર્ણય કર્યો અને પગારમાં પણ ૧પ ટકાનો ઘટાડો કર્યો, રત્‍ન કલાકારો ભારે મુશ્‍કેલીમાં મુકાયા છે. જો કિરણ, એશિયન સ્‍ટાર હીરા બજાર જેવી કંપનીઓ અચાનક આ નિર્ણય લે તો વિચારો કે અન્‍ય વ્‍યાપારીઓની શું સ્‍થિતિ હશે? એક તરફ ‘ભાડાબૂ' ના ભાડુતોનું કહેવું છે કે ફૂટ દીઠ રૂ.૫૦૦નું ભાડું ઘટાડીને રૂ.૩૦૦ કરવું જોઇએ.

 હાર્દિક હુંડિયાએ વિશેષમાં કહ્યું કે નિષ્‍ણાતોના મતે, ૫૦૦ રૂપિયા પ્રતિ ફૂટ માટે ૫ વર્ષનો લાંબો લિવ એન્‍ડ લાયસન્‍સનો સમયગાળો છે, જો તમને કિંમત વધારે લાગે તો તમે તેને ખાલી કરી શકો છો. તમે નાનકડી ઓફિસ લઈ શકો છો, જો તમારે આ ન કરવું હોય તો તમે ‘ભાડાબૂ'ના સભ્‍ય હો તો તમે એસ જી ઝવેરી હોલમાં  બેસીને એક પણ રૂપિયાનું ભાડું ચૂકવ્‍યા વગર બિઝનેસ કરી શકો છો. પરંતુ ભાડું શા માટે ઘટાડવું? આજે પણ લોકો રૂ.૫૦૦ થી રૂ.૭૦૦ સુધીના ભાડામાં ઓફિસ લેવા તૈયાર છે, તો વેપારી સંસ્‍થાને શા માટે નુકસાન વેઠવું પડે? બે વર્ષ પહેલા કેટલાક લોકોએ કહ્યું હતું કે ચાલો સુરત અને મુંબના હીરા બજારને તાળાબંધી કરવાની વાત કરતા તેઓ સુરત તો ગયા હતા પણ પાછા મુંબઈ આવ્‍યા.

સુરત ડાયમંડ બૂર્સનાં વરિષ્ઠ આશિષ દોશીએ જણાવ્‍યું હતું કે સુરત ડાયમંડ બૂર્સમાં કુલ ૪૨૦૦ ઓફિસો છે. દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ૧૮ જાન્‍યુઆરીએ તેનું ઉદઘાટન કર્યું હતું. અત્‍યાર સુધી માત્ર ૨૫૦ ઓફિસ કાર્યરત છે તેમ શ્રી હુંડિયા જણાવે છે.

મહારાષ્‍ટ્રના પૂર્વ મુખ્‍યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને દેવેન્‍દ્ર ફડણવીશે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં હીરા ઉદ્યોગને પ્રોત્‍સાહન આપવા માટે જરૂરી તમામ સહયોગ આપ્‍યો હતો, કોરોનામાં પણ હીરાની નિકાસ ચાલુ હતી. ઓછા ભાડાની માંગ કરતા વેપારીઓની ગેરવાજબી માંગણીઓ સામે ‘ભાડાબુ' ઝુકે તેવું જણાતું નથી. હાર્દિક હુંડિયાએ કહ્યું કે જો તમારે ધંધા માટે સુરત હીરા બજારમાં જવું હોય તો તમારે જવું જોઈએ પરંતુ કૂટનીતિની કોઈ અસર થવાની નથી.

(3:13 PM IST)