News of Friday, 18th October 2024
ડીસેમ્બરથી બેંકોમાં ફાઇવ-ડે વીકનો અમલ?
બેંકનો ખુલવાનો અને બંધ થવાનો સમય પણ બદલાશે

નવી દિલ્હી, તા.૧૮: બેંક કર્મચારીઓ લાંબા સમયથી ૫ કામકાજના દિવસોની માંગ કરી રહ્યા હતા. અત્યાર સુધી સરકારે કર્મચારીઓની આ માંગને સ્વીકારી નથી, પરંતુ આશા છે કે આ વર્ષના અંત સુધીમાં સરકાર આ માંગણી પૂરી કરી શકે છે. હકીકતમાં, તાજેતરમાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને કર્મચારી યુનિયન વચ્ચે એક સમજૂતી થઈ છે. હવે માત્ર સરકારની મંજૂરીની રાહ છે. જે ડીસેમ્બર કે જાન્યુઆરી ૨૦૨૫માં મળી શકે છે.
જો સરકાર તરફથી મંજૂરી મળશે તો બેંકો અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ ખુલશે. એટલે કે શનિવાર અને રવિવારે બેંકો બંધ રહેશે. તમને જણાવી દઈએ કે હાલમાં બેંકો દર મહિનાના બીજા-ચોથા શનિવારે અને દર રવિવારે બંધ રહે છે. આ ઉપરાંત તહેવારને કારણે અનેક શહેરોની બેંકોમાં રજા છે.
બેંકના ૫ કામકાજના દિવસોને મંજૂર કરવામાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મહત્વની ભૂમિકા છે. વાસ્તવમાં, બેંકનો આ પ્રસ્તાવ RBI પાસે જશે કારણ કે બેંક સાથે સંબંધિત તમામ કામ RBI દ્વારા નિયંત્રિત છે. પ્રસ્તાવને આરબીઆઈની મંજૂરી મળ્યા બાદ જ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બેંકના ૫ કામકાજના દિવસોમાં મંજૂરી આપવામાં આવે છે, તો બેંકના કામકાજના સમયમાં ફેરફાર થશે. એવું માનવામાં આવે છે કે દૈનિક કામના કલાકોમાં ૪૦ મિનિટનો વધારો થઈ શકે છે. મતલબ કે બેંક સવારે ૯.૪૫ થી સાંજના ૫.૩૦ સુધી ખુલ્લી રહેશે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે સરકાર દ્વારા વર્ષના અંત સુધીમાં અથવા ૨૦૨૫ની શરૂઆતમાં નોટિફિકેશન જારી કરવામાં આવે. જો સરકાર તરફથી મંજૂરી મળે તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ શનિવારને રજા તરીકે માન્યતા આપી શકાય છે.
(11:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
