News of Saturday, 19th October 2024
૧૮૦૦ કિલો ટામેટા ભરેલો ટ્રક પલટી ગયો : લોકો લૂંટી ન જાય એટલા માટે પોલીસ આખી રાત રખેવાળ બની
૮૦-૧૨૦ રૂપિયે કિલો વેચાતા ટામેટાની ચોરી થતા બચાવવા માટે પોલીસે કરી સુરક્ષા

નવી દિલ્હી, તા.૧૯: લાલ લાલ ટામેટા રસ્તા પર પડ્યા હોય તો ગમે તેનું મન તેને લેવા માટે લલચાઈ જાય. આ ઘટનાથી બચવા માટે પોલીસે ૧-૨ નહીં પણ ૧૮૦૦ કિલો ટામેટા બચાવવા માટે આખી રાત ચોકી કરી. જેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો ટામેટા લઈને દિલ્હી જઈ રહેલો એક ટ્રક ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પલટી ખાઈ ગયો.
જે બાદ તેમાં રાખેલા ટામેટા રસ્તા પર આમ તેમ ઢગલો થઈ ગયો. આ મામલામાં જાનમાલને નુકસાનથી સંબંધિત કોઈ જાણકારી તો હાલમાં મળી નથી. પણ ૮૦-૧૨૦ રૂપિયે કિલો વેચાતા ટામેટાની ચોરી થતા બચાવવા માટે પોલીસ આખી રાત જાગી હતી.
પોલીસે શેર કરેલા વીડિયોમાં યૂઝર્સે ઘણી પ્રતિક્રિયાઓ આપી હતી. એક શખ્સે લખ્યું હતું કે, રેટ એટલા વધી ગયા છે કે સુરક્ષા માટે પોલીસ નહીં પણ મિલિટ્રી લગાવવી પડે. બીજાએ કહ્યું કે, આ સારુ કામ કર્યું, કોઈની મહેનત કોઈ લૂંટી ન જાય, તેની જવાબદારી સારી રીતે નિભાવી.
અહીં આપેલા વીડિયોમાં તમે રસ્તા પર ટામેટા પડેલા જોઈ શકશો. ૧૮૦૦ કિલો ટામેટાથી ભરેલો ટ્રક પલટી ગયા બાદ ઘટના સ્થળે પોલીસ આવી ગઈ અને આ ટામેટાની સુરક્ષા આખી રાત પોલીસે કરી હતી. બે લેનવાળા આ રોડ પર એક તરફથી વાહનોની અવરજવર ચાલુ રહી, જ્યારે બીજી બાજુ રોડ પર પડેલા ટામેટાની પોલીસ સુરક્ષા કરતી રહી. જેથી વાહનવ્યવહારમાં કોઈ અવરોધ ન આવે.
આ વીડિયોમાં પોલીસ લોકોને ઘટનાસ્થળથી દૂર રહેવાની સલાહ આપતી દેખાય છે. ટામેટાની મોંઘવારી જોતા પોલીસ દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું.
(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
