<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

કરવા ચોથ પર પત્‍નીએ પતિની પીઠ પર મહેંદીથી મેડિકલ કોલેજની પ્રોપર્ટી લખીને પોઝિટિવ મેસેજ આપ્‍યો

હલ્‍દ્વાનીના કુંતીપુરમ હિંમતપુર તલ્લા નિવાસી ગીતા મિશ્રાએ દેહદાનની મુહિમને આગળ ધપાવી

હલ્‍દ્વાની,તા. ૨૧: દેશભરમાં આજે એટલે ૨૦ ઓક્‍ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તો વળી ઉત્તરાખંડમાં પણ કરવા ચોથને લઈને મહિલાઓમાં ખૂબ ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ સજી-ધજીને પોતાના પતિની લાંબી આયુ માટે કરવા ચોથનું વ્રત કરી રહી છે. તહેવારના અવસર પર સુહાગણ સ્ત્રીઓ પોતાના હાથમાં મહેંદી લગાવીને પોતાના પતિને દીર્ઘાયુ થવાની કામના કરે છે. તો વળી કુમાઉના પ્રવેશદ્વાર કહેવાતા શહેર હલ્‍દ્વાનીમાંથી કરવા ચોથને લઈને એક અનોખી તસવીર સામે આવી છે. અહીં એક મહિલાએ પોતાના પતિની પીઠ પર મહેંદીથી મેડિકલ કોલેજની પ્રોપર્ટી લખીને સમાજને દેહદાનનો મેસેજ આપ્‍યો છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, હલ્‍દ્વાનીના કુંતીપુરમ હિંમતપુર તલ્લા નિવાસી ગીતા મિશ્રાએ દેહદાનની મુહિમને આગળ વધારતા પોતાના પતિની પીઠ પર મહેંદીથી મેડિકલ કોલેજની પ્રોપર્ટી લખીને પોઝિટિવ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે. ગીતાએ તેના વિશે કહ્યું કે, મર્યા બાદ જો શરીર કોઈને કામ આવી રહ્યું છે, તો આ દિશામાં પહેલ કરવી જરૂરી છે. હલ્‍દ્વાની મેડિકલ કોલેજને જો બોડી મળે તો મેડિકલ સ્‍ટુડન્‍ટ્‍સ પ્રયોગ દ્વારા વ્‍યાવહારિક જ્ઞાન પ્રાપ્ત કરીને કુશળ ડોક્‍ટર બનશે, જેનાથી લોકો બીમારીઓથી દૂર રહે અને ઉત્તમ સ્‍વાસ્‍થ્‍યની સાથે દીર્ઘાયુ થશે. સાથે જ તેમનું શરીર પણ મરણોપરાંત લોકોના કામમાં આવી શકે અને ન જાણે કેટલાય લોકોને જીવનદાન મળશે.

ગીતા મિશ્રાના પતિ ડો. સંતોષ મિશ્રા જણાવે છે કે, તેમના પરિવારે ૨૦૧૩માં અંગદાનનો સંકલ્‍પ લીધો હતો અને હવે પોતાના ઓળખીતા અને સમાજના પ્રબુદ્ધ નાગરિકોને નેત્રદાન, દેહદાન માટે સતત પ્રેરણા આપી રહ્યા છે. ડો. મિશ્રાએ લોકોને આગ્રહ કર્યો છે કે તેઓ આ અભિયાનને આગળ વધારી સ્‍થાનિક મેડિકલ કોલેજના એનાટોમી વિભાગનો સંપર્ક કરી શકે છે.

(9:56 AM IST)