<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st October 2024

અમેરિકામાં ચૂંટણીનો રંગ જામ્યો:ટ્રમ્પ મેકડોનાલ્ડ્સમાં ફ્રેંચ ફ્રાઈસ બનાવીને સર્વ કરતા જોવા મળ્યા : જુઓ વિડિયો વાયરલ

રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફિલાડેલ્ફિયામાં અલગ રીતે પ્રચાર કર્યો

 

 

અમેરિકામાં જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ ઉમેદવારો અલગ અલગ રણનીતિ અપનાવી રહ્યા છે. આ દરમિયાન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ફિલાડેલ્ફિયામાં અલગ રીતે પ્રચાર કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યો છે.

 

અમેરિકામાં ગત રવિવારે રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક ફિલાડેલ્ફિયામાં મેકડોનાલ્ડ્સ ફ્રેન્ચાઈઝ પર પહોંચી ગયા હતા, જ્યારે ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે સમર્થન મેળવવા એટલાન્ટામાં પૂજામાં ભાગ લીધો હતો.

ટ્રમ્પે સફેદ શર્ટ અને લાલ ટાઈ પર કાળો અને પીળો એપ્રોન પહેર્યો હતો અને તે ફ્રેન્ચ ફ્રાઈસ કરી રહ્યા હતા. આ પછી, ટ્રમ્પ ફિલાડેલ્ફિયાની બહાર મેકડોનાલ્ડ્સની ફ્રેન્ચાઇઝીની ડ્રાઇવ-થ્રુ વિન્ડોમાંથી તેમના કેટલાક સમર્થકોને ફ્રાઈસ આપતા જોવા મળ્યા હતા.

 

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે, મને આ કામ ગમે છે. મને અહીં બહુ મજા આવે છે. હું હંમેશા મેકડોનાલ્ડ્સમાં કામ કરવા માંગતો હતો, તેણે તેના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વિડિયોમાં જણાવ્યું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પનો ફ્રાઈસ બનાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે મેકડોનાલ્ડના કર્મચારીઓ સાથે વાત કરવાની સાથે તે ફ્રાઈસ પણ બનાવી રહ્યો છે. આ પછી તેણે રેસ્ટોરન્ટના ડ્રાઇવ થ્રુમાં લોકોને ભોજન પણ પીરસ્યું. આ દરમિયાન, તેણે એક પરિવાર સાથે પણ વાત કરી અને તેમને કહ્યું કે આ માટે કોઈ પૈસા ચૂકવવાની જરૂર નથી, કારણ કે ટ્રમ્પ પોતે તેના માટે ચૂકવણી કરશે.

ટ્રમ્પે કહ્યું કે, અહીં ભીડ જુઓ. તેઓ ખૂબ ખુશ છે કારણ કે તેમની પાસે ઉમ્મીદ છે. તેમને આશાની જરૂર છે. મેં હવે કમલા કરતાં 15 મિનિટ વધુ કામ કર્યું છે. ટ્રમ્પે ગયા મહિને ઇન્ડિયાના, પેન્સિલવેનિયામાં એક ઝુંબેશ કાર્યક્રમમાં હેરિસની અગાઉની નોકરીનો સંદર્ભ આપતા કહ્યું હતું કે, હું ફ્રાય કૂક તરીકે કામ કરવા માંગુ છું, કારણ કે જોઇ શકું કે તે કઇ રીતે થાય છે.

અલ જઝીરાના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની મેકડોનાલ્ડ્સની મુલાકાત કમલા હેરિસના નિવેદનના જવાબમાં આવી છે કે તેણી કોલેજના દિવસોમાં ફાસ્ટ-ફૂડ ચેઇનમાં કામ કરતી હતી. બીજી તરફ, કમલા હેરિસે એટલાન્ટામાં તેના 60માં જન્મદિવસે બે પૂજા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યોર્જિયાના જોન્સબોરોમાં ડિવાઈન ફેઈથ મિનિસ્ટ્રીઝ ઈન્ટરનેશનલની મુલાકાત દરમિયાન, ફેમસ સંગીતકાર સ્ટીવી વંડરે તેમનું હિટ હાયર ગ્રાઉન્ડ અને બોબ માર્લીના રિડેમ્પશન સોંગની આવૃત્તિ રજૂ કરી. આ દરમિયાન તેણે કમલા હેરિસ માટે હેપ્પી બર્થ ડે ગીત પણ ગાયું હતું.

(1:53 PM IST)