News of Wednesday, 23rd October 2024
આપણાં સંબંધ જ એવા કે કોઈ ટ્રાંસલેટરની જરુર જ નથી :પુતિનની વાત પર ખડખડાટ હસી પડ્યા મોદી
રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને સંબોધિત કરતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધ એટલા ગાઢ છે કે મને લાગે છે કે તમે મારી વાત ટ્રાંસલેટરની મદદ વગર પણ સમજી શકો છો

નવી દિલ્હી :વડાપ્રધાન મોદી હાલ બ્રિક્સ શિખર સંમેલન અંતર્ગત બે દિવસની રશિયાની યાત્રા પર છે. જે અંતર્ગત આજે તેઓ કઝાન શહેર પહોંચ્યા જ્યાં 23 ઓક્ટોબરે સમિટ મળશે. આ પહેલા વડાપ્રધાન મોદીએ કઝાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી. બંને રાષ્ટ્રાધ્યક્ષોએ દ્વિપક્ષીય વાર્તામાં ભાગ લીધો. આ દરમિયાન ભારત-રશિયાના ઐતિહાસિક સંબંધનો ઉલ્લેખ કરતા પુતિને કંઈક એવું કહ્યું કે વડાપ્રધાન મોદી હસી પડ્યા હતા.
દ્વિપક્ષીય વાર્તા દરમિયાન વડાપ્રધાન મોદી હિન્દી અને રાષ્ટ્રપતિ પુતિન રશિયન ભાષામાં બોલી રહ્યાં હતા. બંને નેતાઓની વાતોને રશિયા અને હિન્દીમાં અનુવાદ કરવા માટે ટ્રાંસલેટર હાજર હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને સંબોધિત કરતા કહ્યું કે, ભારત અને રશિયાના સંબંધ એટલા ગાઢ છે કે મને લાગે છે કે તમે મારી વાત ટ્રાંસલેટરની મદદ વગર પણ સમજી શકો છો. પુતિનની આ ટિપ્પણી પર વડાપ્રધાન મોદી ખડખડાટ હસી પડ્યા હતા.
પુતિને કહ્યું કે, મોસ્કો અને નવી દિલ્હીના સંબંધ ઘણાં જ ખાસ છે અને સમયની સાથે તે વધુ મજબૂત થઈ રહ્યાં છે. જેના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, છેલ્લાં ત્રણ મહિનામાં રશિયાની આ મારી બીજી મુલાકાત છે, જે બંને દેશો વચ્ચે ઊંડી ભાગીદારી અને મિત્રતાને દર્શાવે છે. વડાપ્રધાન મોદી આ વર્ષે જુલાઈમાં પણ રશિયા ગયા હતા. ત્યારે રાષ્ટ્રપતિ પુતિને ક્રેમલિનમાં તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું અને પોતે જ ગાડી ડ્રાઈવ કરીને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન દેખાડ્યું હતું.
ભારત રશિયાને એક વિશ્વાસપાત્ર મિત્ર તરીકે જુએ છે, જેને તેના આર્થિક વિકાસ અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ દ્વિપક્ષીય બેઠક જુલાઈમાં મોસ્કોમાં વડાપ્રધાન મોદીની પુતિન સાથે અનૌપચારિક બેઠકના ત્રણ મહિના બાદ થઈ છે. પુતિને વડાપ્રધાન મોદીની સાથે પોતાની છેલ્લી મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મને આપણી જુલાઈ બેઠક યાદ છે જ્યારે આપણે અનેક મુદ્દે સારી ચર્ચાઓ કરી હતી અને તે બાદ આપણે અનેક વખત ફોન પર પણ વાત કરી હતી. કઝાન આવવાનું મારું આમંત્રણ સ્વીકારવા બદલ હું તમારો આભારી છું.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ યુદ્ધને લઈને ભારતના સ્ટેન્ડને ફરી એક વખત જણાવ્યો. તેમણે પુતિનને કહ્યું, રશિયા-યુક્રેન સંઘર્ષને શાંતિપૂર્ણ રીતે ઉકેળવો જોઈએ અને તે માટે ભારત દરેક સંભવ સહયોગ પ્રદાન કરવા માટે તૈયાર છે. અમે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના મુદ્દે સતત સંપર્કમાં છીએ. અમારું માનવું છે કે સમસ્યાઓનું સમાધાન શાંતિપૂર્ણ રીતે આવવું જોઈએ. આપણે શાંતિ અને સ્થિરતાનું પૂર્ણ સમર્થન કરીએ છીએ. ભારત સદૈવ માનવતાને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરે છે અને યુર્કેન સંઘર્ષના સમાધાન માટે દરેક સંભવ સહયોગ આપવા માટે તૈયાર છે.
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
