<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સોનાએ ૮૧૦૦૦ - ચાંદીએ ૧૦૦૦૦૦ની સપાટી વટાવી

તેજીનો દોર યથાવત રહેતા બંન્ને કિંમતી ધાતુઓના ભાવો ઐતિહાસિક સપાટીએ : સોનામાં ૬૦૦ રૂા.ના ઉછાળા સાથે ૧૦ ગ્રામનો ભાવ ૮૧ર૦૦ અને ચાંદીમાં ર૦૦૦ રૂા.ના ભાવ વધારા સાથે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦૧,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ર૩: બુલીયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં તેજીનો દોર યથાવત રહેતા રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે સોનામાં વધુ ૬૦૦ રૂા. અને ચાંદીમાં ર૦૦૦ રૂપીયાનો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવોએ નવી એૈતિહાસિક સપાટી સર કરી છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૬૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે રાત્રે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૮૦,૬૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૮૧,ર૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૬૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ  ૮, ૦૬,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,૧ર,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતા. સોનાના ૮૧,ર૦૦ ની સપાટી ઓલ ટાઇમ હાઇ સપાટી હોવાનું વેપારી સુત્રોએ જણાવ્‍યું હતું.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો તરખાટ જોવા મળ્‍યો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે ચાંદી ચોરસા (૧ કિલો)નો ભાવ ૯૯,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૧,૦૧,૦૦૦ રૂા. થયા હતા.

દિવાળી પુર્વે જ સોના-ચાંદીના ભાવો  આસમાને પહોંચતા નવી ખરીદીમાં મોટો ઘટાડો થાય તેવી શકયતા છે.

(3:02 PM IST)