<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સરકારનો મોટો નિર્ણય :બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ MEP પણ દૂર કરી

સરકારે કોમોડિટીની નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર લાગુ પડતા ટન દીઠ 490 ડૉલરની MEP દૂર કરી

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે તહેવાર ટાણે ખેડૂતોની હિતમાં મોટો નિર્ણય લીધો છે. સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ હટાવ્યા બાદ લઘુત્તમ નિકાસ કિંમત (MEP) પણ દૂર કરી દીધી છે. સરકારે કોમોડિટીની નિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર લાગુ પડતા ટન દીઠ 490 ડૉલરની MEP દૂર કરી છે. 

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા એક સત્તાવાર સૂચનામાં જણાવાયું છે કે, ‘બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ માટેની MEPની જરૂરિયાતને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવી છે.’ ઉલ્લેખનિ છે કે, આ પહેલા 28 સપ્ટેમ્બરના રોજ સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો અને નિકાસ માટે MEP લાગુ કરી હતી.

 

સરકારે 20 જુલાઈ-2023ના રોજ બિન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો હતો. હવે તેના પરનો કોઈપણ પ્રતિબંધ હટાવી દેવાયો છે. આ પગલાં એવા સમયે લેવામાં આવ્યા છે જ્યારે દેશમાં સરકારી ગોડાઉનોમાં ચોખાનો પૂરતો સ્ટોક છે અને છૂટક કિંમતો પણ નિયંત્રણમાં છે. સરકારના આ નિર્ણયને કારણે દેશના અનેક ખેડૂતોની આવકમાં વધારો થશે.

 

આ પહેલા સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવક વધારવા માટે બાસમતી ચોખાની લઘુત્તમ નિકાસ કિંમત ખતમ કરી હતી. દેશમાં આ વર્ષમાં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન 20.1 કરોડ ડોલરના બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ કરવામાં આવી હતી. 2023-24માં આ આંકડો 85.25 કરોડ ડૉલર હતો.

   નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં સરકાર મિત્રતાના આધારે માલદીવ, મોરેશિયસ, સંયુક્ત આરબ અમીરાત અને આફ્રિકન દેશોમાં ચોખાની નિકાસને મંજૂરી આપી રહી હતી. ચોખાની આ વિવિધતાનો ભારતમાં વ્યાપકપણે ઉપયોગ થાય છે અને વૈશ્વિક બજારોમાં પણ તેની માંગ છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં મોટા પ્રમાણમાં ભારતીય પ્રવાસીઓ રહે છે.

(10:01 PM IST)