News of Wednesday, 23rd October 2024
સોનામાં વણથંભી તેજી :ચાંદીમાં આઠ દિવસમાં 10 હજારનો ઉછાળો : ક્યાં જઈને અટકશે ભાવ : જાણો શું કહે છે નિષ્ણાંતો
સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચ્યા : ચાંદી 12 વર્ષની નવી ટોચે US$35 પ્રતિ ઔંસ પર પહોંચી

મુંબઈ :સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડ વધારાનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. બંને કિમતી ધાતુઓના ભાવ સતત છઠ્ઠા ટ્રેડિંગ સત્રમાં વધ્યા છે. સોનાનો ભાવ 500 રૂપિયા વધીને 81,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ઊંચી સપાટીએ પહોંચ્યા હતો. તે જ સમયે, ચાંદી 1,000 રૂપિયા વધીને 1.02 લાખ પ્રતિ કિલો થઈ ગઈ છે.
ચાંદી માટે પણ આ અત્યાર સુધીનો રેકોર્ડ સ્તર છે. છેલ્લા છ ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 10,000 રૂપિયાનો વધારો થયો છે. તે જ સમયે, 16 ઓક્ટોબરથી સોનું 2,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યું છે.
ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર તહેવારો અને લગ્નની સિઝનની માંગને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. SKI કેપિટલના MD નરિન્દર વાધવાના જણાવ્યા અનુસાર, ફિઝિકલ માર્કેટ અને MCX પર ચાંદી 1 લાખ રૂપિયા સુધી પહોંચવા પાછળ ઘણા કારણો છે. આમાં ભારતમાં સીઝનલ ડિમાન્ડ અને પશ્ચિમ એશિયાના સંઘર્ષના ભૌગોલિક રાજકીય જોખમો જેવી બાબતોનો સમાવેશ થાય છે.
જુલાઈમાં સરકારે સોના અને અન્ય ધાતુઓ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તે પછી સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં 7 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, હાલ તહેવારોની મોસમ, અમેરિકામાં વ્યાજદરમાં કાપની અપેક્ષા અને વધતા ભૌગોલિક રાજકીય તણાવ જેવા પરિબળોએ સોના અને ચાંદીના ભાવમાં ફરી વધારો કર્યો છે.
LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વીપી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અત્યારે વ્યાજ દરનું ચક્ર સોનામાં ઉછાળાનું સૌથી મોટું કારણ છે. ઉપરાંત, આગામી યુએસ પ્રમુખપદની ચૂંટણીના પરિણામો અંગેની અનિશ્ચિતતા પણ સોનાના ભાવને ઊંચો જાળવવામાં ભૂમિકા ભજવી રહી છે.
એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટીના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, અસ્થિરતાના વાતાવરણમાં રોકાણકારો સોના તરફ વળ્યા છે. તો મધ્ય પૂર્વમાં તણાવ વધવાની આશંકા પણ વેપારીઓને સોના તરફ આકર્ષિત કરે છે. જેના કારણે સોનાના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
મહેતા ઇક્વિટી લિમિટેડના કોમોડિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રાહુલ કલંત્રીએ જણાવ્યું હતું કે, સોના અને ચાંદીએ ખૂબ જ મજબૂત પ્રદર્શન કર્યું છે. સોનાના ભાવ નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે, જ્યારે ચાંદી 12 વર્ષની નવી ટોચે US$35 પ્રતિ ઔંસ પર પહોંચી છે. જોકે, એશિયાઈ બજારમાં ચાંદી 0.86 ટકા ઘટીને 34.74 યુએસ ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. દિવસ દરમિયાન તે US$ 35.055 પ્રતિ ઔંસની નવી ટોચે પહોંચ્યો હતો.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
