<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

રાજસ્થાન પેટાચૂંટણી માટે કોંગ્રેસે 7 ઉમેદવારોના નામ કર્યા જાહેર : જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

રાજસ્થાનમાં 7 સીટો પર પેટાચૂંટણી: 13 નવેમ્બરે મતદાન થશે : 23મી નવેમ્બરે પરિણામ

નવી દિલ્હી : કોંગ્રેસે રાજસ્થાન પેટાચૂંટણી માટે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ઝુંઝુનુથી અમિત ઓલા, રામગઢથી આર્યન ઝુબેર, દૌસાથી દીનદયાલ બૈરવા, દેવલી-ઉનિયારાથી કસ્તુરચંદ મીણા, ખિંવસરથી રતન ચૌધરી, સલમ્બરથી રેશ્મા મીના અને ચૌરાસીથી મહેશ રોટને ટિકિટ આપી છે.

   રાજસ્થાનમાં 7 સીટો પર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આ માટે 13 નવેમ્બરે મતદાન થશે. જ્યારે પરિણામ 23મી નવેમ્બરે આવશે. જે 7 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે તેમાંથી ઘણી બેઠકો પરથી ધારાસભ્યો લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે, જ્યારે 2 ધારાસભ્યોનું અવસાન થયું છે, જેના કારણે આ બેઠકો પર ફરી એકવાર ચૂંટણી યોજાઈ રહી છે.

   ઉલ્લેખનીય છે કે રામગઢના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ઝુબેર ખાનનું તાજેતરમાં જ નિધન થયું હતું. આ સાથે સાલમ્બર સીટ પણ ભાજપના ધારાસભ્ય અમૃતલાલ મીણાના નિધન બાદ ખાલી પડી હતી. ઝુંઝુનુથી કોંગ્રેસના બ્રિજેન્દ્ર ઓલા, ચૌરાસીથી બીએપીના રાજકુમાર રોટ, દૌસાથી કોંગ્રેસના મુરલીલાલ મીણા, દેવલી ઉનિયારાથી કોંગ્રેસના હરીશ મીણા અને ખિંવસરથી આરએલપીના હનુમાન બેનીવાલ સાંસદ બન્યા છે. જેના કારણે આ બેઠકો પર નવા ધારાસભ્યો ચૂંટવાના છે. 

    અત્રે  ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં હાલમાં ભાજપની સરકાર છે. તેની પાસે 200માંથી 114 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 65, અપક્ષ ઉમેદવારો પાસે 8, BAP પાસે 3, BSP પાસે 2 અને RLD પાસે 1 બેઠક છે. જ્યારે 7 બેઠકો ખાલી છે

(1:09 AM IST)