News of Friday, 25th October 2024
કર્ણાટકની સેશન્સ કોર્ટે એક સાથે ૯૮ લોકોને આજીવન કેદની સજા ફટકારી
દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી : ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી

બેંગ્લોર તા. ૨૫ : દેશમાં પહેલીવાર એવું બન્યું છે કે અદાલતે દલિતો પર અત્યાચારના કેસમાં સામૂહિક રીતે લોકોને આજીવન કેદની સજા સંભળાવી હોય. કર્ણાટકની સેશન્સ કોર્ટે એક સાથે ૯૮ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. ૨૦૧૪ના ભેદભાવ અને જાતિ હિંસાના આ કેસમાં કોર્ટે અન્ય ત્રણને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. ગંગાવતી તાલુકાના મારાકુંબી ગામમાં દલિતોને નિશાન બનાવવા અને ભેદભાવ કરવાનો મામલો સામે આવ્યો છે.
જજ ચંદ્રશેખર સીએ આ કેસમાં ૧૦૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. તેમાંથી ત્રણને ઓછી સજા આપવામાં આવી હતી કારણ કે તેમની સામે SC-ST એક્ટ ૧૯૮૯ લાગુ કરી શકાયો ન હતો. વાસ્તવમાં તેઓ પણ દલિત સમુદાયના છે. સૂત્રોનું કહેવું છે કે દલિતો પર અત્યાચારના મામલામાં આટલા લોકોને સામૂહિક રીતે સજા સંભળાવવાની આ પહેલી ઘટના છે. સરકારી વકીલ અપર્ણાબુંદીએ કહ્યું કે આ કેસમાં ૧૧૭ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ૨૯ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો અને તેમના ઘરોને આગ ચાંપી દેવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત મારાકુંબી ગામમાં દલિતોને વાળંદની દુકાનમાં જવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. દલિતોને કરિયાણાની દુકાનોમાંથી સામાન મળતો ન હતો.
હિંસા બાદ મારકુમ્બી ગામમાં ત્રણ મહિના સુધી પોલીસ તૈનાત કરવામાં આવી હતી. રાજય દલિત અધિકાર સમિતિએ પણ આંદોલન કર્યું હતું. આ સિવાય ગંગાવતી પોલીસ સ્ટેશનને ઘણા દિવસો સુધી સીલ કરવામાં આવ્યું હતું. આ કેસની ચાર્જશીટમાં સામેલ લોકોમાંથી ૧૬ લોકોના મોત સુનાવણી દરમિયાન થયા હતા. ગુનેગારોને બલ્લારી જેલમાં રાખવામાં આવ્યા છે અને તેમના પર ૫૦૦૦ રૂપિયા અથવા ૨૦૦૦ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
