<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

વિજયની પાર્ટી TVKની પહેલી જનસભાઃ જાહેર કર્યો મેનિફેસ્‍ટો

TVK ૨૦૨૬માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશેઃ પાર્ટી આ માટે ગઠબંધન માટે તૈયાર : TVKની ઓળખને એક જૂથ સુધી મર્યાદિત રાખવાને બદલે, તેમણે ન્‍યાય, એકતા અને સામાજિક વિકાસ પર બિનસાંપ્રદાયિકતાની હિમાયત કરી

ચેન્‍નાઇ,તા. ૨૮: દક્ષિણ ભારતીય ફિલ્‍મોના સુપરસ્‍ટાર વિજયે પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી દીધી છે. તમિલ સિનેમા અભિનેતા વિજયે રાજકારણમાં તેમના પ્રથમ પગલામાં, વિલ્લુપુરમ જિલ્લામાં એક ભવ્‍ય રાજકીય રેલી યોજી હતી. આ કાર્યક્રમમાં વિજયે તેમની પાર્ટી, તમિલગા વેટ્ટ્રી કઝગમ (TVK) ની વિચારધારા અને ધ્‍યેયો શેર કર્યા અને લાખો સમર્થકોને તેમના સંકલ્‍પ વિશે વિગતવાર સમજાવ્‍યું.

‘તમિલગા વેત્રી કઝગમ' (TVK) ની પહેલી રેલી રવિવારે તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના વિકરાવંદીમાં યોજાઈ હતી. જેમાં લાખો લોકોની ભીડ ઉમટી હતી. રેલીમાં વિજયે ભાર મૂક્‍યો હતો કે તમિલને અદાલતો અને મંદિરોની ભાષા તરીકે માન્‍યતા આપવી જોઈએ. આ માત્ર ભાષાનો પ્રશ્ન નથી, પરંતુ તમિલનાડુના સાંસ્‍કૃતિક વારસાને પુનર્જીવિત કરવાનું અભિયાન છે. પાર્ટીનો ધ્‍વજ લહેરાવીને તેમણે સમર્થકોને ઉત્‍સાહભેર સંબોધિત કર્યા.

TVKની પ્રથમ જાહેર સભામાં પોતાના સમર્થકોને સંબોધતા વિજયે કહ્યું હતું કે, ‘કેટલાક પક્ષો લોકોને વિભાજિત કરવાની રાજનીતિ કરી રહ્યા છે, આવી પાર્ટીઓ વૈચારિક સ્‍તરે આપણા દુશ્‍મન છે.' આ સાથે, વિજયે દ્રવિડ મોડલના નામે છેતરપિંડીની નિંદા કરી અને ‘એક પરિવાર પર રાજયને લૂંટવાનો' આરોપ લગાવ્‍યો.

એક્‍ટર વિજયે આ વર્ષે ફેબ્રુઆરીમાં તમિલનાડુ અને પુડુચેરીમાં કામ કરવા માટે એક અલગ રાજકીય પક્ષની સ્‍થાપના કરી હતી. આ વર્ષે ઓગસ્‍ટ મહિનામાં તેમણે પાર્ટીનો ધ્‍વજ અને પ્રતીક પણ લોન્‍ચ કર્યું હતું. ટીવીકેને સપ્‍ટેમ્‍બર મહિનામાં ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે માન્‍યતા આપવામાં આવી છે. આ સાથે પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી પણ મળી ગઈ છે. પાર્ટીને માન્‍યતા મળ્‍યા પછી, વિજયે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં પાર્ટીની પ્રથમ જાહેર સભા કરશે.

રવિવારની જાહેર સભામાં TVKના વિચારધારા સમજાવતા, એક્‍ટરમાંથી રાજકારણી બનેલા વિજયે કહ્યું હતું, અમે દ્રવિડ રાષ્ટ્રવાદ અને તમિલ રાષ્ટ્રવાદને અલગ કરીશું નહીં. આ બે આ માટીની બે આંખો છે. આપણે આપણી જાતને કોઈ ખાસ ઓળખ સુધી સીમિત ન કરવી જોઈએ. TVKની ઓળખને એક જૂથ સુધી મર્યાદિત રાખવાને બદલે, તેમણે ન્‍યાય, એકતા અને સામાજિક વિકાસ પર બિનસાંપ્રદાયિકતાની હિમાયત કરી.

વિજયે કહ્યું હતું કે, તેમની પાર્ટી પેરિયાર દ્વારા બતાવેલ માર્ગને અનુસરશે, જેમાં મહિલા સશક્‍તિકરણ અને સામાજિક ન્‍યાય વિશેના વિચારોનો સમાવેશ થાય છે. જો કે, તેમણે નાસ્‍તિકવાદ સાથે સંબંધિત પેરિયારની થિયરી સ્‍વીકારવાનો ઇનકાર કર્યો હતો. TVK રાજયમાં બે ભાષાઓ અપનાવવાની નીતિ પર કામ કરશે. તેમણે સરકારી કામકાજ માટે તમિલ અને અંગ્રેજી ભાષાની હિમાયત કરી હતી. તેમની પાર્ટી જાતિ ગણતરીનું સમર્થન કરે છે.

વિજયે કહ્યું કે TVK ૨૦૨૬માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાગ લેશે. આ સાથે તેમણે એ પણ સ્‍પષ્ટ કર્યું કે તેમની પાર્ટી આ માટે ગઠબંધન માટે તૈયાર છે. જો કે, વિજય પહેલા જ જાહેરાત કરી ચૂક્‍યા છે કે તેમની પાર્ટી ૨૦૨૬માં તમિલનાડુમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી લડશે. વિજયની આ જાહેરાત બાદ માનવામાં આવી રહ્યું છે કે તમિલનાડુની આગામી વિધાનસભા ચૂંટણી રસપ્રદ બની રહેશે. તમિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) અને ઓલ ઈન્‍ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)નું વર્ચસ્‍વ રહ્યું છે.

જો કે હવે ભારતીય જનતા પાર્ટી (BJP) પણ અન્નામલાઈના નેતૃત્‍વમાં રાજયમાં પગ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં તમિલનાડુમાં ભાજપ એક પણ સીટ જીતી શકી નથી. (૨૨.૬)

TVKનો મેનિફેસ્‍ટો

ઞ્જ ગવર્નરને દૂર કરવા

ઞ્જ અદાલતોમાં વહીવટી ભાષા તરીકે તમિલનો પ્રચાર

ઞ્જ મહિલાઓ માટે સમાન તકો આપવી

ઞ્જ જાતિ આધારિત વસ્‍તી ગણતરી કરવી

ઞ્જ રાજય યાદી હેઠળ શિક્ષણ પુનઃસ્‍થાપિત કરવું

ઞ્જ ધર્મ, જાતિ, રંગ વગેરેના આધારે ભેદભાવ દૂર કરવા

ઞ્જ ભ્રષ્ટાચાર મુક્‍ત વહીવટ

ઞ્જ કેન્‍દ્ર સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કરવો

ઞ્જ તમિલનાડુ માટે ૨ ભાષા નીતિ

ઞ્જ તમિલનાડુને નશામુક્‍ત બનાવવું

ઞ્જ ધારાસભ્‍યો માટે આચારસંહિતા

ઞ્જ બિનસાંપ્રદાયિકતા, સામાજિક ન્‍યાય, સમાનતા અને લોકશાહી

(9:36 AM IST)