<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

અખનૂરમાં સેનાની એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કરનાર 3 આતંકીઓ ઠાર:મંદિરમાં બાળકોને બાનમાં લીધા હતા

બાળકોએ આતંકીઓને કહ્યું કે તેમની પાસે મોબાઈલ ફોન નથી તો તેઓ ગુસ્સે થઈ ગયા અને બાળકોને માર મારવા લાગ્યા

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અખનૂર સેક્ટરના કેરી બટ્ટલ વિસ્તારમાં બનેલા શિવ મંદિર પાસે આતંકવાદીઓએ આર્મી એમ્બ્યુલન્સ પર ફાયરિંગ કર્યું હતું. આ પછી જવાનોએ 3 આતંકીઓને ઠાર કર્યા છે આ આતંકી હુમલો સોમવારે સવારે 6.30 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો.

ગામના ત્રણ બાળકો રાબેતા મુજબ શિવ મંદિરમાં દર્શન કરીને ટ્યુશન ભણવા જતા હતા ત્યારે મંદિરમાં છુપાયેલા આતંકવાદીઓએ તેમને રોક્યા હતા. આતંકવાદીઓ બાળકો પાસે તેમના મોબાઈલ ફોન આપવાની માંગ કરી રહ્યા હતા. જ્યારે બાળકોએ આતંકીઓને કહ્યું કે તેમની પાસે મોબાઈલ ફોન નથી તો તેઓ ગુસ્સે થઈ ગયા અને બાળકોને માર મારવા લાગ્યા અને તેમની તલાશી લીધી હતી.

બાળકોના જણાવ્યા અનુસાર, એક આતંકવાદીએ તેમની પિસ્તોલ પણ તાકી હતી, પરંતુ બાદમાં આતંકવાદીઓએ તેમને અચાનક મંદિરમાંથી ભાગી જવા માટે કહ્યું. આ પછી બાળકો તરત જ તેમના ઘરે પરત ફર્યા અને તેમના માતા-પિતાને ગામના મંદિરમાં આતંકવાદીઓની હાજરી વિશે જાણ કરી. જે બાદ તેમણે સુરક્ષા દળોને જાણ કરી હતી.

આ ઘટનાના થોડા સમય પછી, જ્યારે આર્મી એમ્બ્યુલન્સ મંદિરની સામેથી પસાર થઈ, ત્યારે આતંકવાદીઓએ તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે સમયે એમ્બ્યુલન્સમાં એક ડ્રાઈવર અને અન્ય વ્યક્તિ બેઠા હતા. આ એમ્બ્યુલન્સ કેરીના મિલિટરી કેમ્પ તરફ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં બેઠેલા લોકોએ કોઈક રીતે નીચે ઝૂકીને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ વિસ્તારમાં સેનાની ત્રણ ટુકડીઓ તૈનાત છે, સરહદી વિસ્તારોમાં હોવાને કારણે દરેક આર્મી યુનિટને કોઈપણ ઈમરજન્સીનો સામનો કરવા માટે એક એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. થોડા સમય પછી, લશ્કરી છાવણીમાં મોટરસાયકલ પર સવાર કેટલાક કુલી (મિલિટરી કેમ્પમાં કામ કરતા સામાન્ય નાગરિકો) પણ મંદિરની નજીકથી પસાર થયા, જેમને જોઈને આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, પરંતુ તેઓ પણ કોઈક રીતે નાસી છૂટ્યા. બાદમાં સેનાના જવાનોએ તે આતંકીઓને ઠાર કર્યાં.

સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ સેનાએ કેરી બટલના આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો હતો અને આર્મી એરક્રાફ્ટ અને ડ્રોનની મદદથી આતંકીઓ પર નજર રાખવામાં આવી રહી હતી. હવે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. સરહદી વિસ્તારો તરફ જતા માર્ગો પર સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહનોની તલાશી શરૂ કરી હતી જેથી આતંકવાદીઓ કોઈપણ વાહનને હાઈજેક કરીને ભાગી ન જાય.

(8:21 PM IST)