<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

પાર્કિગમાંથી ૮૦ લાખની BMW ચોરાઈ ગઈ

શિલ્‍પા શેટ્ટીની દાદરની રેસ્‍ટોરાંના : બૉલીવુડની અભિનેત્રી શિલ્‍પા શેટ્ટી દાદરમાં બેસ્‍ટિઅન એટ ધ ટોપ રેસ્‍ટોરાં ધરાવે છે જે મુંબઈના ક્રીમ ક્‍લાસમાં જાણીતી છે

મુંબઇ, તા.૨૯: બૉલીવુડની અભિનેત્રી શિલ્‍પા શેટ્ટી દાદરમાં બૅસ્‍ટિઅન ઍટ ધ ટૉપ રેસ્‍ટોરાં ધરાવે છે જે મુંબઈના ક્રીમ ક્‍લાસમાં જાણીતી છે. એના બેઝમેન્‍ટના પાર્કિગમાંથી ૮૦ લાખની BMW ચોરાયાની ફરિયાદ શિવાજી પાર્ક પોલીસ-સ્‍ટેશનમાં નોંધાઈ છે.

શિવાજી પાર્ક પોલીસના જણાવ્‍યા અનુસાર ૩૪ વર્ષનો બિઝનેસમૅન રુહાન ખાન તેના મિત્ર સાથે તેની ટૂ-સીટર કન્‍વર્ટિબલ BMW Z4 લઈને શનિવારે મધરાત બાદ ૧ વાગ્‍યે રેસ્‍ટોરાંમાં આવ્‍યો હતો. તેણે તેની કાર પાર્કિગમાં પાર્ક કરી હતી અને એની ચાવી ર્પાકિંગના ગેટ પાસે ઊભેલા કર્મચારીને આપી હતી.

તેણે જ્‍યારે પરોઢિયે ૪ વાગ્‍યે રેસ્‍ટોરાંમાંથી બહાર આવી કાર લાવવા પાર્કિગના કર્મચારીને કહ્યું ત્‍યારે તે લાંબો સમય સુધી કાર લઈને આવ્‍યો જ નહીં. ત્‍યારે તપાસ કરતાં ખબર પડી કે કાર ચોરાઈ ગઈ હતી. જ્‍યાં કાર પાર્ક કરી હતી ત્‍યાં કાર નહોતી. એ પછી જ્‍યારે ક્‍લોઝ્‍ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ચેક કરવામાં આવ્‍યા ત્‍યારે એમાં જણાઈ આવ્‍યું હતું કે બે અજાણ્‍યા માણસો અન્‍ય એક ગાડીમાં આવ્‍યા હતા અને તેઓ BMW લઈને નીકળી ગયા હતા. એ કાર ચોરવા તેમણે હાઈ ટેક ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્‍યું છે. રુહાન ખાને ત્‍યાર બાદ આ બદલ શિવાજી પાર્ક પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.(૨૩.૨૧)

(3:07 PM IST)