<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

અમેરિકાએ એક વર્ષમાં ગેરકાયદે વસતા ૧૧૦૦ ભારતીયોને ભારત પરત મોકલ્‍યા

ભારત સહિત ૧૪૫ દેશોના ૧.૬૦ લાખથી વધુ લોકોને પોતાના દેશ મોકલાયા

નવી દિલ્‍હી,તા. ૩૦: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ૧૧૦૦ ભારતીય નાગરિકોને ચાર્ટર અને અન્‍ય ફલાઇટ દ્વારા ભારત પરત મોકલવામાં આવ્‍યા છે. અમેરિકન ગૃહ સુરક્ષા વિભાગ (DHS)ના એક અધિકારીએ આ માહિતી આપી છે.ᅠ

US DHS સહાયક સચિવ ફોર બોર્ડર એન્‍ડ ઇમિગ્રેશન પોલિસી રોયસ મરેએ ૨૨ ઓક્‍ટોબરે ભારતીય નાગરિકોના ગ્રુપને ભારત પરત મોકલવાના એક સવાલ સંબંધિત એક સવાલના જવાબમાં કહ્યું કે, ફલાઇટમાં કોઇ સગીર નહતો અને તે બધા પુખ્‍ત વયના હતા.

સીનિયર અધિકારીએ કહ્યું કે, ૨૨ ઓક્‍ટોબરની ચાર્ટર ફલાઇટને પંજાબમાં ઉતારવામાં આવી હતી. જોકે, તેમણે એ નથી જણાવ્‍યું કે ફલાઇટ ક્‍યાથી આવી હતી અને ગેરકાયદેસર અમેરિકામાં રહેતા લોકો મૂળ ક્‍યાના રહેવાસી હતા.

આ ઘટના અમેરિકન ગૃહ અધિકારીઓ દ્વારા તે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોના જૂથને પરત મોકલવાની જાહેરાતના કેટલાક દિવસ બાદ થઇ છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને પાછા મોકલવા અંગેના પ્રશ્નના જવાબમાં મરેએ કહ્યું કે ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ પૂરા થતા અમેરિકન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ ૧,૧૦૦ ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં આવ્‍યા છે. યુએસ નાણાકીય વર્ષ ૧ ઓક્‍ટોબરથી શરૂ થાય છે અને ૩૦ સપ્‍ટેમ્‍બરના રોજ સમાપ્ત થાય છે.

DHSના એક નિવેદનમાં કહેવામાં આવ્‍યું કે નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૧,૬૦,૦૦૦થી વધુ લોકોને પરત પોતાના દેશ મોકલવામાં આવ્‍યા છે. ભારત સહિત ૧૪૫થી વધુ દેશમાં ૪૯૫ ફલાઇટમાં આ લોકોને પરત મોકલવામાં આવ્‍યા છે.

(3:57 PM IST)