News of Wednesday, 30th October 2024
બેલ્જીયમનાં એન્ટવર્પમાં સૌરાષ્ટ્રના હીરાના વેપારીની કંપની ૧૪૨ કરોડમાં ઊઠી ગઈ
મંદીના કારણે કંપની પોતાનું દેવું ચૂકતે કરવા માટે અસમર્થ હતી : આ હીરાની કંપનીની માલિકી સૌરાષ્ટ્રના એક હીરાના વેપારી અને તેમની પત્નિની હતી :ભારતમાં સુરત ડાયમંડ હબ કહેવામાં આવે છે તેવી જ રીતે બેલ્જિયમનું એન્ટવર્પ પણ ડાયમંડનું મોટું હબ છે

નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં સુરત ડાયમંડ હબ કહેવામાં આવે છે તેવી જ રીતે બેલ્જિયમનું એન્ટવર્પ પણ ડાયમંડનું મોટું હબ છે જ્યાં હજારોની સંખ્યામાં ડાયમંડ કંપનીઓ કાર્યરત છે. હાલમાં એન્ટવર્પમાં રફ અને પોલિશ્ડ નેચરલ ડાયમંડનો વેપાર કરતી એક કંપની અને ડાયમંડ ટ્રેડિંગ કંપનીના પ્રાઈવેટ ફાઈનાન્સર પણ નાદાર થઈ ગયા છે. આ મહિનાની શરૂઆતમાં કંપનીએ ૧૭ મિલિયન ડોલરમાં ઉઠમણું કર્યું છે. ખાસ વાત એ છે કે આ કંપનીના માલિક ગુજરાતી છે અને તેઓ સૌરાષ્ટ્રના છે. હાલમાં ડાયમંડ ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગમાં મંદી હોવાના કારણે કંપનીએ પોતાનું દેવું ચૂકતે કરવા માટે અસમર્થ હતી જેના કારણે તેણે નાદારી નોંધાવી છે. ઈન્ટરનેશનલ ડાયમંડ ટ્રેડિંગ હબમાં આ એક મોટા સમાચાર છે.
આ કંપનીની માલિકી સૌરાષ્ટ્રના હીરાના વેપારી અને તેમના પત્નીની છે. આ હીરાના વેપારી ૩૦ વર્ષથી વધુ સમયથી એન્ટવર્પમાં સેટલ થયા છે અને ઘણા દેશોમાં પોતાનો બિઝનેસ સ્થાપ્યો છે. એક હીરાના વેપારીએ જણાવ્યું હતું કે, હાલમાં વૈશ્વિક બજારની સ્થિતિ ખરાબ છે. કુદરતી હીરાના વેપારમાં ઘટાડો થયો છે. માર્કેટમાં હાલમાં લેબમાં તૈયાર કરવામાં આવેલા હીરાની માંગ ઘણી વધારે છે. આ ઉપરાંત રશિયાની હીરાની ખાણો પર -તિબંધો મૂકવામાં આવ્યા છે જેના કારણે હીરાના વૈશ્વિક વેપારને સીધી અસર પડી છે. સુરતમાં પોલિશિંગ એકમો પર પડેલી અસર ઉપરાંત વેપારીઓની આવકમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટ માટે દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. અગ્રણી એકમોએ જાહેરાત કરી છે કે તેઓ નવેમ્બરના બીજા અને ત્રીજા અઠવાડિયામાં ફરી ખોલશે. પરંતુ કેટલાક નાના એકમોએ હજી કોઈ જાહેરાત કરી નથી કે તેઓ પોતાની કામગીરી કયારે શરૂ કરશે. આ દરમિયાન લેબમાં તૈયાર કરવામાં આવતા ડાયમંડ ગ્રોઈંગ અને પોલિશિંગ યુનિટ વહેલા શરૂ થવાના છે. જે હીરાના એકમો અને કારીગરોએ લેબમાં તૈયાર કરવામાં આવતા હીરાના પોલિશિંગમાં શિફ્ટ થઈ ગયા છે તેમને પોતાની આવક સાથે સમાધાન કરવું પડ્યું છે. પરંતુ આવા એકમોને હાલમાં કામ મળી રહ્યું છે. હીરા ઉદ્યોગના આંતરિક સૂત્રોનું કહેવું છે કે, કુદરતી હીરાના સેક્ટરમાં સંપૂર્ણ બેરોજગાર ન થઈ જવાય તે માટે લેબમાં તૈયાર થતાં હીરાના મેન્યુફેક્ચરિંગમાં કમાણીમાં ભારે ઘટાડો હોવા છતાં એકમો અને કારીગરો તે કામ ચાલું રાખે છે.(૨૩.૨૦)
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
