<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

પ્રસૂતિની પીડાથી મહિલા કણસતી રહી :અધિકારીએ રજા આપવાની ના પાડી: બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું

પ્રિયદર્શિનીએ આરોપ લગાવ્યો છે કે સીડીપીઓ સ્નેહલતા સાહુએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું જેના કારણે તેણીએ સાત મહિનાની ગર્ભાવસ્થા ગુમાવી દીધી: પીડિત પ્રિયદર્શિનીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે જિલ્લાના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ આપી

ઓડિશામાં મહિલા અધિકારીના અમાનવીય વર્તનને કારણે તેની નીચે કામ કરતી એક મહિલા કર્મચારીને ભારે કિંમત ચૂકવવી પડી હતી. મહિલા કર્મચારી ગર્ભવતી હતી અને પ્રસૂતિની પીડાથી પીડાતી હતી, પરંતુ રજા માંગવા અને હોસ્પિટલમાં લઈ જવાની આજીજી કરવા છતાં અધિકારીએ ન તો મહિલા કર્મચારીને રજા આપી કે ન તો તેને હોસ્પિટલ લઈ ગયા. જેના કારણે તેનું બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું. આ કિસ્સામાં તો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે અધિકારી પોતે મહિલા હતા. આ મામલાની જાણકારી મળ્યા બાદ ઓડિશા સરકારે સંબંધિત આરોપી અધિકારીને તેમના પદ પરથી હટાવી દીધા છે.

    આ મામલો ઓડિશાના કેન્દ્રપારા જિલ્લાના ડેરાબીસ બ્લોકનો છે, જ્યાં 26 વર્ષની વર્ષા પ્રિયદર્શિની બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસર (CDPO)ની ઓફિસમાં ક્લાર્ક તરીકે કામ કરતી હતી. પ્રિયદર્શિનીએ આરોપ લગાવ્યો છે કે સીડીપીઓ સ્નેહલતા સાહુએ તેની સાથે અમાનવીય વર્તન કર્યું છે, જેના કારણે તેણીએ સાત મહિનાની ગર્ભાવસ્થા ગુમાવી દીધી છે. પીડિત પ્રિયદર્શિનીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે જિલ્લાના ડીએમ અને એસપીને લેખિત ફરિયાદ આપી છે.

    પ્રિયદર્શિનીએ લખ્યું છે કે સીડીપીઓ તેને છેલ્લા ત્રણ વર્ષથી હેરાન કરી રહ્યા હતા. તેણીએ ફરિયાદમાં લખ્યું છે કે, "હું ગર્ભવતી છું તે જાણતા હોવા છતાં, સીડીપીઓએ મારી સાથે અમાનવીય વર્તન કર્યું. તે મને સતત હેરાન કરી રહી હતી. તેના ઉત્પીડનના કારણે મારે મારું બાળક ગુમાવવું પડ્યું." તેણીની ફરિયાદમાં પ્રિયદર્શિનીએ દાવો કર્યો છે કે ઘટનાના દિવસે જ્યારે તેણીને ઓફિસમાં કામ કરતી વખતે પ્રસૂતિની પીડા થઈ હતી, ત્યારે તેણે સીડીપીઓ સ્નેહલતા સાહુ અને અન્ય કર્મચારીઓને તેણીને હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી હતી પરંતુ સીડીપીઓએ તેની વિનંતીને અવગણી હતી

  આ પછી તેના પરિવારના સભ્યો ઓફિસ આવ્યા અને પ્રિયદર્શિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકનું ગર્ભમાં જ મૃત્યુ થયું હતું. પ્રિયદર્શિનીએ પોતાની ફરિયાદમાં સીડીપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ ઘટનાની માહિતી મળ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પાર્વતી પરિદાએ કહ્યું છે કે સીડીપીઓ સાહુને હાલ માટે પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

    બીજી તરફ, સીડીપીઓએ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે પ્રિયદર્શિનીએ પણ રજા માટે અરજી કરી નથી. સદિપો સાહુએ એવો પણ દાવો કર્યો હતો કે તેણે ક્યારેય તેને હેરાન કરી નથી પરંતુ તેના પરિવારજનોએ જ તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ ઘટનાની માહિતી મળતાં જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અધિકારીના વલણથી લોકો દુઃખી અને નારાજ છે.

(1:19 AM IST)