<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મંગળવારે જ કેમ મતદાન અને શપથ જાન્યુઆરીમાં જ કેમ લેવાય છે ?

દરેક રાજ્યના મતદારોએ નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે જ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે કેમ મતદાન કરે છે ? જાણો રસપ્રદ માહિતી .

નવી દિલ્હી : દેશમાં મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી માટે તમામ ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. આવતા સપ્તાહે દિવાળીનો પર્વ સમાપ્ત થશે તે પછી તમામ પાર્ટીના સ્ટાર પ્રચારકો ધુંઆધાર પ્રચાર કરવા લાગશે. બીજી તરફ 3 દિવસ બાદ 5 નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં આ વખતે રિપબ્લિકન પાર્ટી તરફથી વધુ એક વખત ડોનાલ્ડ ટ્રમ્પ મેદાનમાં છે. જ્યારે ડેમેક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસ છે. આમતો અમેરિકાની ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે, ત્યારે તેને લઈને રોચક તથ્યો પણ સામે આવી રહ્યા છે. જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ…

1845 અગાઉ અમેરિકાના તમામ રાજ્યોમાં અલગ-અલગ તારીખે મતદાન થતું હતુ. જો કે 1845માં કાયદો ઘડીને તમામ રાજ્યોમાં એકસાથે મતદાન થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી. જેમાં કહેવામાં આવ્યું કે, દરેક રાજ્યના મતદારોએ નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે જ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન કરવાનું રહેશે. જો નવેમ્બર મહિનાનો પહેલો દિવસ મંગળવાર આવતો હોય, તો આવી સ્થિતિમાં આગામી સોમવાર પછી બીજા દિવસે આવતા મંગળવારે મતદાન થાય છે.

 

આની પાછળનું કારણ જોઈએ તો, અગાઉ અમેરિકાની મોટાભાગની વસ્તી ખેતી કરતી હતી. નવેમ્બર પહેલા પાકની લણણી થઈ જતી હતી. જેથી ખેડૂતો પાસે સમય રહેતો હતો. આજ કારણોસર નવેમ્બર મહિનાની પસંદગી કરવામાં આવી હતી.

આ સિવાય ખ્રિસ્તી ધર્મના લોકો રવિવારે ચર્ચમાં જાય છે. તેમજ બુધવારે અનેક શહેરોમાં બજાર ભરાતું હતુ. આ દરમિયાન મતદાન મથક સુધી જવા માટે એક દિવસની મુસાફરી કરવી પડતી હતી. જેથી સોમવાર અને ગુરુવારે મતદાન ના થઈ શકે તેમ હોવાથી મંગળવારની પસંદગી કરવામાં આવી.

હકીકતમાં ચૂંટણીમાં ચૂંટાયેલા ઈલેક્ટર્સ ડિસેમ્બર મહિનાના પહેલા બુધવાર બાદ આવતા મંગળવારે પોત-પોતાના રાજ્યોમાં મળે છે અને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરે છે. ડિસેમ્બરના ચોથા બુધવારે સેનેટના અધ્યક્ષ ઈલેક્ટર્સના વૉટ મેળવ્યા બાદ તેની ગણતરી કરે છે.

આ ઉપરાંત ચૂંટાયેલા રાષ્ટ્રપતિ અને તેમની ટીમને તૈયારી, મંત્રીમંડળનું વિસ્તરણ અને નીતિઓ પર ચર્ચા કરવા માટે સમય મળવો જરૂરી છે. આથી 20 જાન્યુઆરીએ જ નવી સરકારની રચના કરવામાં આવે છે.

આપણાં દેશમાં જો કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમત ના મળે, તો સૌથી મોટી પાર્ટી નાની-નાની પાર્ટીઓ તેમજ અપક્ષ સાથે ગઠબંધન કરીને સરકાર રચે છે. જ્યારે અમેરિકાની ચૂંટણી જોઈએ તો, કોઈ પાર્ટી 270 ઈલેક્ટોરલ વોટ્સના જાદુઈ આંકડાથી દૂર રહે, તો હાઉસ ઑફ રિપ્રેઝેન્ટેટિવ રાષ્ટ્રપતિની ચૂંટણી કરી છે. આ માટે અમેરિકાના 50 રાજ્યો મતદાન કરે છે અને જે ઉમેદવાર 26 મત મેળવે તેને વિજયી જાહેર કરવામાં આવે છે. અમેરિકાના ઈતિહાસમાં અગાઉ 1800 અને 1824માં આવું થઈ ચૂક્યું છે.

(11:55 PM IST)