<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th November 2024

વૈશ્વિક સંકેતો વચ્ચે સોનામાં નરમાઇ આતંકી : ફરીથી તેજીનો માહોલ :10 ગ્રામદીઠ રૂપિયા 200નો ઉછાળો

ચાંદીમાં સોના કરતાં વધારે તેજી :ચાંદીના ભાવમાં રૂપિયા 1,800નો ઉછાળો આવ્યો

મુંબઈ :નવેસરથી સ્થાનિક લેવલ પર ખરીદી તથા વૈશ્વિક સ્તરેથી મળેલ મજબૂત સંકેત વચ્ચે સોનાના ભાવમાં તેજીનું વલણ આગળ વધ્યું હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ સોનાના ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 81,300 થયા છે.

જ્યારે 10 ગ્રામ દીઠ સોનું (99.5)નો ભાવ રૂપિયા 200 વધી રૂપિયા 80,700 રહ્યા છે.બીજી બાજુ ચાંદીમાં સોના કરતાં વધારે તેજી જોવા મળી છે. ચાંદીના ભાવમાં રૂપિયા 1,800નો ઉછાળો આવ્યો છે.

દરમિયાન મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાના ડિસેમ્બર વાયદાનો ભાવ રૂપિયા 18 એટલે કે 0.02 ટકા ઘટી રૂપિયા 78,404 રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ઔંસદીઠ ભાવ 2,745-2,750 ડોલર આસપાસ કામકાજ કરી રહ્યા છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણી પર સમગ્ર વિશ્વની નજર છે ત્યારે રોકાણકારો પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે.

આ ઉપરાંત US ફેડરલની 7મી નવેમ્બરના રોજ વ્યાજ દરોમાં ઘટાડા અંગે નિર્ણય લેવામાં આવનાર છે, તેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનામાં સાંકડી વધઘટ જોવા મળી રહી છે.બીજી બાજુ ચાંદીનો ઔંસદીઠ ભાવ 0.37 ટકા વધી 32.73 ડોલર પર કામકાજ ધરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વૈશ્વક બજારમાં ગયા સપ્તાહ દરમિયાન સોનાના ઔંસદીઠ ભાવ 2801.80ની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયા હતા. બજારના નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક પરિબળો સોનાના ભાવ પર વ્યાપક પ્રમાણમાં અસર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં રોકાણકારો વિવિધ પરિબળો પર ચાંપતી નજર રાખીને કિમતી ધાતુઓમાં પોતાની પોઝીશન અંગે નિર્ણય લેશે.

(11:54 PM IST)