News of Wednesday, 6th November 2024
૨૦૦૦ ની ૬૯૭૦ કરોડ હજુ પણ લોકો પાસે
૨૦૦૦ રૂપિયાની ૯૮.૦૪ ટકા નોટ પરત આવી ગઇ છે

નવી દિલ્હી, તા.૬: દેશમાં રૂ. ૨૦૦૦ની ગુલાબી નોટો પર પ્રતિબંધ મૂકાયો તેને દોઢ વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ હજારો કરોડ રૂપિયાની ગુલાબી નોટો લોકો પાસે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નવેમ્બર મહિનામાં આ અંગેનું નવીનતમ અપડેટ બહાર પાડ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ચલણમાંથી કાઢી લેવામાં આવ્યા બાદ ૨૦૦૦ રૂપિયાની કુલ નોટોમાંથી હજુ પણ લોકો પાસે ૬,૯૭૦ કરોડ રૂપિયાની નોટો છે. આ આંકડો ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધીનો છે. RBIના લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે ૨૦૦૦ રૂપિયાની ૯૮.૦૪ ટકા નોટ પરત આવી ગઇ છે.
ગયા વર્ષે મે મહિનામાં RBIએ ૨૦૦૦ રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. તે સમયે ૩.૫૬ લાખ કરોડ રૂપિયાની કુલ ૨૦૦૦ રૂપિયાની બેંક નોટો ચલણમાં હતી. હવે સમસ્યા એ છે કે કેન્દ્રીય બેંકને નોટ પરત કરવાની ગતિ એકદમ ધીમી થઈ ગઈ છે. આનો અર્થ એવો પણ થાય છે કે જેની પાસે આ નોટો છે તેઓ તેને પરત કરવા માંગતા નથી. બહુ ઓછા લોકો હવે આ નોટો પરત કરવા આવી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં માત્ર ૧૪૭ કરોડ રૂપિયાની ગુલાબી નોટો પરત આવી છે.
આરબીઆઇએ તેમનો ડેટા પણ શેર કર્યો છે જે અનુસાર ૧ જુલાઈ, ૨૦૨૪ના રોજ બજારમાં ૭૫૮૧ કરોડ રૂપિયાની કિંમતની ૨૦૦૦ રૂપિયાની નોટો બચી ગઈ હતી. ૧ ઓક્ટોબરે તે રૂ. ૭,૧૧૭ કરોડ હતો અને હવે ૩૧ ઓક્ટોબરે રૂ. ૬,૯૭૦ કરોડ છે. મતલબ કે જુલાઈથી અત્યાર સુધીમાં માત્ર ૬૧૧ કરોડ રૂપિયાની નોટ જ પરત આવી છે.
આરબીઆઇએ ૯ મે ૨૦૨૩ના રોજ ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઇએ અગાઉ ૨૦૦૦ રૂપિયાની નોટ બદલવા માટે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીનો સમય આપ્યો હતો. જોકે, સમયાંતરે આ સમયમર્યાદા લંબાવવામાં પણ આવી હતી. રૂપિયા ૨૦૦૦ની નોટ નવેમ્બર ૨૦૧૬માં ચલણમાં લાવવામાં આવી હતી. તે સમયે સરકારે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો ચલણમાં બંધ કરી દીધી હતી. આ પછી, પર્યાપ્ત માત્રામાં અન્ય મૂલ્યોની બેંક નોટો ઉપલબ્ધ થયા પછી, ૨,૦૦૦ રૂપિયાની બેંક નોટો રજૂ કરવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થયો હતો, તેથી ૨૦૧૮પ્ર૧૯માં રૂ. ૨,૦૦૦ની નોટોનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું, એમ રિઝર્વ બેંકે જણાવ્યું હતું.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
