News of Thursday, 7th November 2024
દેશમાં બેંકોની સંખ્યા ૪૩ થી ઘટી ૨૮ થઈ જશે
પ્રાદેશિક ગ્રામીણબેંકોના મર્જરનો ચોથો તબક્કો શરૂ કર્યો : સરકાર

નવીદિલ્હી: કામકાજી કાર્યક્ષમતા તથા ખર્ચ રીયલાઈઝેશન હાંસલ કરવાના આશય સાથે નાણા મંત્રાલયે રીજનલ રૂરલ બેંક્સ (આરઆરબી) માટે મજબૂતીકરણનો ચોથો રાઉન્ડ શરૂ કર્યો છે, અને આવી બેન્કોની સંખ્યા હાલ ૪૩ છે તે ઘટીને ૨૮ થઈ જશે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા આયોજન અનુસાર, વિવિધ રાજ્યોમાં કાર્યરત ૧૫ આરઆરબીને વિલીન કરી દેવામાં આવશે. જે રાજ્યોની આરઆરબીનું એકત્રીકરણ થશે, તેમાં આરઆરબીની સૌથી વધુ સંખ્યા ધરાવતું રાજ્ય આંધ્ર પ્રદેશ (૪) છે, એ પછીના ક્રમે ઉત્તર પ્રદેશ (૩), પશ્ચિમ બંગાળ (૩) આવે છે, જ્યારે બિહાર, ગુજરાત,જમ્મુ અને કાશ્મીર,કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન, આ દરેક રાજ્યમાં ૨ આરઆરબી છે. તેલંગણાના કેસમાં આરઆરબીના એકત્રીકરણનો આધાર આંધ્ર પ્રદેશ ગ્રામીણ વિકાસ બેંક (એપીજીવીબી) ની અસ્કયામતો તથા લાયેબિલિટીના એપીજીવીબી તથા તેલંગણા ગ્રામીણબેંક વચ્ચે થનારા વિભાજન પર રહેશે. એગ્રો-ક્લાઈમેટિક તથા ભૌગોલિક પ્રકૃતિ તથા આરઆરબીના વન સ્ટેટ વન
આરઆરબીના લક્ષ્યાંકને પગલે આરઆરબીનું એકત્રીકરણ કરવાની જરૂરિયાત વળતાઇ રહી છે એમ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસે સરકારી માલિકીની બેંકોના વડાને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું. એકત્રીકરણ માટે નાબાર્ડ સાથેની સલાહ-સૂચનના આધારે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેને પગલે આરઆરબીની સંખ્યા ૪૩ છે, તે ઘટીને ૨૮ થઈ જશે એમ તેમાં જણાવવામાં આવ્યું છે.
(1:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
