<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

વડાપ્રધાન મોદી વિરુદ્ધ ખડગેની ફરી જીભ લપસી: વિવાદાસ્પદ ટિપ્પણી કરી

ખડગેએ પીએમ મોદીને જૂઠ્ઠાઓના સરદાર કહ્યા હતા અને મોદી સરકાર પર કૌભાંડોનો આરોપ પણ લગાવ્યો

મુંબઈઃ દેશમાં જ્યારે પણ ચૂંટણીની તારીખ નજીક આવે ત્યારે સત્તાધારી પાર્ટી અને વિપક્ષી પાર્ટી આમનેસામને આવી જાય એ નવી વાત રહી નથી. ગઈકાલે મહાવિકાસ આઘાડી (એમવીએ)એ બીકેસીના મેદાનમાં સંયુક્ત રેલીને સંબોધી હતી. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર નિશાન તાક્યું હતું.

તેમણે પીએમ મોદીની તુલના તૈમૂર લંગ સાથે કરી હતી. ખડગેએ કહ્યું કે ૪૦૦ પાર કરવાનો નારો આપનાર મોદી સરકાર જેડીયુ (જનતા દળ-યુનાઈટેડ) અને ટીડીપીની કાંખઘોડી પર ટકી છે. એટલું જ નહીં, ખડગેએ પીએમ મોદીને જૂઠ્ઠાઓના સરદાર કહ્યા હતા અને મોદી સરકાર પર કૌભાંડોનો આરોપ પણ લગાવ્યો હતો.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે મોદી જૂઠ્ઠાઓના સરદાર છે. મોદી સાહેબ તમે ૧૦ વર્ષમાં કેટલીય ગેરન્ટી આપી હતી, શું તમે તેને પૂરી કરી? તમે ૧૫ લાખ રૂપિયાની ગેરંટી આપી હતી, તે જૂઠું નીકળ્યું. તેમણે કહ્યું. મોદી જૂઠ્ઠાઓના સરદાર છે, જે માણસ જૂઠ્ઠું બોલે છે, તે લોકોના હિતમાં કામ નથી કરતો.’ તેમણે ઉદ્યોગતપતિઓને ગેરન્ટી આપી છે. જેઓ ફૂટીને, કે તૂટીને (મહાયુતિમાં) જઈ રહ્યા છે, તેઓ મુંબઈના લોકોના કલ્યાણ કરવાનો ઈરાદો ધરાવતા નથી. તેઓ પૈસા કમાવવા માટે કંઈપણ કરવા માટે તૈયાર હોય છે.

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને ગાળો આપવાથી જનતાનું પેટ નહીં ભરાય. તેઓ (નરેન્દ્ર મોદી) માત્ર વાત કરવાનું જાણે છે, તેમને કામ કરતા નથી આવડતું. ભાજપ બધું વેચી રહી છે. અદાણીના પોર્ટ પરથી નશીલા પદાર્થો ઝડપાઈ રહ્યા છે. આપણે આ બંધ કરવું જોઈએ, નહીં તો પંજાબ-હરિયાણામાં જે થઈ રહ્યું છે, તે અહીંયા પણ થઇ શકે છે. ચોરોનું સમર્થન કરનારા મોદી-શાહને પાઠ ભણાવવો પડશે. ચોરોને ભગાડો અને ચાર્જશીટ દાખલ કરો અને તેમને જેલમાં ધકેલી દો. ભાજપ સરકાર બધુ વેચી રહી છે. ફેક્ટરીઓ, જાહેર ક્ષેત્ર, એરપોર્ટ, પોર્ટ વેચાઈ રહ્યા છે. આ દરમિયાન મલ્લિકાર્જન ખડગેએ પીએમ મોદીની તુલના તૈમૂર લંગ સાથે પણ કરી હતી.
તેમના ભાષણ પર બીજેપી નેતા કિરેન રિજિજુએ નિવેદન આપતા કહ્યું કે નરેન્દ્ર મોદીનું વિદેશમાં સન્માન કરવામાં આવે છે. ગઈકાલે ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કર્યો. વડા પ્રધાન વિશે આવા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.

(9:18 PM IST)