<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ટ્રમ્‍પનો ૧૦૦ દિવસનો એજન્‍ડા : ગેરકાયદે રહેતા લોકોને હાંકી કાઢશે : તગડા ટેરિફ લગાડશે : ચીનની હવા કાઢશે

બીજા કાર્યકાળમાં ટ્રમ્‍પ પોતાની નીતિઓને આક્રમકતાથી લાગુ કરશે નવેસરથી ટ્રેડ વોર ફાટી નીકળે તેવી શકયતા : નવી વિદેશનીતિ ઘડાશે

વોશીંગ્‍ટન, તા.૮: ડોનાલ્‍ડ ટ્રમ્‍પ બીજી વખત અમેરિકી રાષ્‍ટ્રપતિની ચૂંટણી જીત્‍યા છે. તેઓ જાન્‍યુઆરી મહિનામાં પોતાનો ચાર્જ સંભાળશે. તેમણે તેમની ચૂંટણી રેલીઓમાં ૧૦૦ દિવસની યોજના શેર કરી હતી. ટ્રમ્‍પ તેમના બીજા કાર્યકાળના પ્રથમ ૧૦૦ દિવસમાં તેમની આક્રમક નીતિઓનો અમલ કરશે. તેઓ જો બિડેન વહીવટીતંત્રના ઘણા નિર્ણયોને પલટાવવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્‍પ અર્થતંત્ર, વિદેશ નીતિ અને મોંઘવારી અંગે મોટા નિર્ણયો લેશે.

ટ્રમ્‍પની યોજનામાં ઇમિગ્રન્‍ટ્‍સના સામૂહિક દેશનિકાલ અને વિદેશી સામાન પર ભારે ટેરિફનો સમાવેશ થાય છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પના સહયોગીઓ આ દિવસોમાં ઓર્ડર તૈયાર કરવામાં વ્‍યસ્‍ત છે. આ આદેશો ટ્રમ્‍પના ૧૦૦ દિવસના એજન્‍ડાને પૂર્ણ કરવામાં મદદ કરશે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પહેલા ઈમિગ્રેશન અને એનર્જી પોલિસીમાં ફેરફાર કરશે. ટ્રમ્‍પે અમેરિકામાંથી મોટી સંખ્‍યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્‍ટ્‍સને હાંકી કાઢવાનું વચન આપ્‍યું છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટ્રમ્‍પ આના પર પહેલા કામ કરશે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ૨૦૧૫ થી ઇમિગ્રેશન પર કડક વલણ અપનાવી રહ્યા છે.

તેણે યુ.એસ.માં ગેરકાયદેસર રીતે રહેતા ૧૩ મિલિયનથી વધુ ઇમિગ્રન્‍ટ્‍સને સામૂહિક દેશનિકાલ કરવાની હાકલ કરી છે. ગુનાહિત રેકોર્ડ ધરાવતા લોકોને દેશનિકાલ કરનાર ટ્રમ્‍પ પ્રથમ હશે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ મેક્‍સિકો સાથેની યુએસ બોર્ડર પણ બંધ કરશે.

ટ્રમ્‍પે તેમના ચૂંટણી પ્રચારમાં ઊર્જાના ભાવમાં ૫૦ ટકાનો ઘટાડો કરવાનું વચન આપ્‍યું છે. ૧૦૦ દિવસના એજન્‍ડામાં ટ્રમ્‍પ ઊર્જા અને આબોહવા જેવા મુદ્દાઓ પર કામ કરશે. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ડ્રિલ, બેબી, ડ્રિલ'નું સૂત્ર આપ્‍યું છે. મતલબ કે તેઓ તેલનું ઉત્‍પાદન વધારવાનો પ્રયાસ કરશે.

ટ્રમ્‍પ પણ બિડેનના પર્યાવરણીય નિયમોને ઉથલાવી દેવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્‍પ પહેલાથી જ કહી ચૂકયા છે કે તે દરેક બિડેન નીતિને પાછી ખેંચી લેશે જે અમેરિકન ઓટોવર્કર્સ પર દમન કરે છે. આ સિવાય અમે બિડેનની ક્‍લાઈમેટ પોલિસી પણ ખતમ કરીશું. તેઓ આબોહવા સબસિડી દૂર કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સિવાય તેલ, ગેસ અને કોલસા ઉત્‍પાદકોને ટેક્‍સમાં છૂટ આપવામાં આવશે જેથી અમેરિકન માર્કેટમાં ઈંધણની કિંમતોમાં ઘટાડો થઈ શકે.

પોતાના ૧૦૦ દિવસના એજન્‍ડામાં ટ્રમ્‍પે અમેરિકાને પ્રાથમિકતા આપતી વિદેશ નીતિ લાગુ કરવાની વાત કરી છે. ટ્રમ્‍પે એમ પણ કહ્યું કે તેઓ સત્તા સંભાળતા પહેલા રશિયા અને યુક્રેન વચ્‍ચેના યુદ્ધનો અંત લાવશે. જો કે, ફક્‍ત સમય જ કહેશે. પરંતુ ટ્રમ્‍પ યુક્રેનને આર્થિક મદદ આપવાના પક્ષમાં નથી.

ટ્રમ્‍પે નાટોને આર્થિક સહયોગ ન આપનારા દેશોને પણ ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો કોઈ દેશ પર્યાપ્ત રકમનું યોગદાન નહીં આપે તો અમેરિકા તેની સુરક્ષા નહીં કરે. ટ્રમ્‍પ આ દિશામાં કેટલાક મોટા પગલા પણ લઈ શકે છે.

ટ્રમ્‍પના ૧૦૦-દિવસના કાર્યસૂચિમાં બિડેનના ઘણા નિર્ણયોને પલટાવવાનો સમાવેશ થાય છે. તે ટ્રાન્‍સજેન્‍ડર યુવાનો માટે સુરક્ષા પાછી ખેંચી લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્‍પ તેમના પાછલા કાર્યકાળની અધૂરી યોજનાઓ પર ફરીથી કામ શરૂ કરશે. ટ્રમ્‍પે વેક્‍સીનના આદેશને પ્રોત્‍સાહન આપતી શાળાઓને ફેડરલ ભંડોળ કાપવાની પણ ધમકી આપી છે.

ટ્રમ્‍પે કહ્યું છે કે તેઓ તેમના ૧૦૦ દિવસમાં વિશેષ સલાહકાર જેક સ્‍મિથને બરતરફ કરશે. જેકે ટ્રમ્‍પ વિરુદ્ધ બે કેસ દાખલ કર્યા હતા. ટ્રમ્‍પે આ કેસમાં સંડોવાયેલા અન્‍ય ન્‍યાયાધીશો અને ફરિયાદી સામે કાર્યવાહી કરવાની ધમકી આપી છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પે વિદેશી સામાન પર ભારે ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેમની યોજના અનુસાર, તેમણે કહ્યું છે કે તમામ ચીની સામાન પર ટેરિફ ૬૦ ટકા અને મેક્‍સિકોથી આવતા સામાન પર ૨૫ થી ૨૦૦ ટકા સુધી વધારવામાં આવશે. જો આવું થાય તો વિશ્વમાં વેપાર યુદ્ધ શરૂ થઈ શકે છે.(૨૩.૩૪)

(3:17 PM IST)